New Delhi,તા.૨૮
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. પોલીસે જાહેર સંપત્તિ અધિનિયમના કથિત ઉલ્લંઘનની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પાલન અહેવાલ દાખલ કર્યો અને માહિતી આપી કે એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસની આગામી સુનાવણી ૧૮ એપ્રિલે થશે.
અગાઉ, કેસની સુનાવણી કરતી વખતે, રાઉઝ એવન્યુ કોર્ટે તત્કાલીન સીએમ અરવિંદ કેજરીવાલ અને મટિયાલા બેઠકના ધારાસભ્ય ગુલાબ સિંહ વિરુદ્ધ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે પોલીસે ફરિયાદની તપાસ કરી નથી; તેથી, હોર્ડિંગ્સ કોણે અને શા માટે લગાવ્યા તેની તપાસ કરવી જરૂરી છે. કોર્ટે પોલીસને ૧૮ માર્ચ સુધીમાં આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉ ૨૦૨૨ માં, દ્વારકા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે કેસને ફગાવી દીધો હતો. જે બાદ સેશન્સ કોર્ટે તેને ફરીથી સુનાવણી માટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલી આપ્યો.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નેહા મિત્તલે તેમના આદેશમાં કહ્યું હતું કે પોલીસ સ્ટેટસ રિપોર્ટમાં જણાવાયું છે કે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની તારીખે ઉલ્લેખિત સ્થળે કોઈ હોર્ડિંગ કે બેનર દેખાતા નહોતા. જ્યારે પોલીસે ફરિયાદની તારીખે બેનરો હોર્ડિંગ્સની સ્થિતિ અંગે મૌન જાળવી રાખ્યું છે. આવી સ્થિતિમાં, આ મામલાની તપાસ થવી જરૂરી છે કે હોર્ડિંગ બેનરો કોણે અને શા માટે લગાવ્યા છે. રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે ઘણો સમય વીતી ગયો છે અને પુરાવા તરીકે ફાઇલ કરાયેલા ફોટોગ્રાફ્સમાં હોર્ડિંગ્સ અને બેનરો બનાવનાર કંપની અથવા સંગઠનનું નામ નથી. કોર્ટે આ વાતને ફગાવી દીધી અને કહ્યું કે આ કેસમાં સામેલ લોકોની ઓળખ જાહેર કરવી જરૂરી છે. આ માટે તપાસ જરૂરી છે.