New Delhi, તા.4
પાટનગર નવી દિલ્હીમાં આવતીકાલે યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીના મતદાન પૂર્વે આજે રાજ્યના મુખ્યમંત્રી અને કાલકાજી ધારાસભા બેઠકના ઉમેદવાર આતિશી તેમજ ભાજપના સિનિયર નેતા રમેશ બીધુડીના પુત્ર પર ચૂંટણી પંચના આદેશ બાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
બંને પર ચૂંટણી આચાર સંહિતાના ભંગનો આરોપ છે. ગઇકાલે સાંજે પ્રચારના પડઘમ શાંત થઇ ગયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને ચૂંટણી લડી રહેલા આતિશીએ ફતેહગંજ માર્ગ પર તેના 50 થી 60 ટેકેદારો અને 10 વાહનો સાથે રેલી યોજી હતી અને આચાર સંહિતાનો ભંગ કર્યો હતો.
આ ઉપરાંત રમેશ બીધુડીના પુત્ર મનીષ બીધુડી પણ પૂર્વ દિલ્હી વિસ્તારમાં જાહેર પ્રચાર કરી રહ્યા હતા. જેને પણ અટકાવવામાં આવ્યા હતા આ અંગે બંને સામે ચૂંટણી પંચની સૂચના બાદ દિલ્હી પોલીસે આચાર સંહિતાના કેસ કર્યા છે. આવતીકાલે મતદાન શરુ થાય તે પૂર્વે જ ચૂંટણી પંચે રાજ્યમાં આચાર સંહિતાનો અમલ વધુ કડક રીતે કરવા આદેશ આપ્યો હતો.