Rajkot,તા.16
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના વિસ્તારમાં ૨૪ ગામનો ઉમેરો કરીને બોગસ નક્શો રૂડાના લોગા સાથે સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. આ અંગે રૂડાના સી.ઈ.ઓ.એ પોલીસમાં ફરિયાદ અરજી આપી છે જે અન્વયા આ કાવત્રાબાજ કોણ અને તેનો ઈરાદો શુ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
આ અંગે ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ગૌતમ મિયાણીએ જણાવ્યું કે વોટ્સએપ મારફત ફરતો આ નકલી નક્શો અમારી પાસે આવતા આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ અરજી આપીને આ શખ્સો સામે પગલા લેવા માંગણી કરાઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરાશે. આ બોગસ નક્શામાં ૨૪ ગામો ઉમેરી દેવાયા છે અને રૂડાના નામનો ગેરઉપયોગ કરાયો છે.
આવા બોગસ નક્શા માટે કોઈ જમીન ખરીદ્દારને છેતરવાનો ઈરાદો છે કે જમીનના ભાવ વધારવાનો તે અંગે ચર્ચા જાગી છે. આ નક્શો આજે તંત્રના ધ્યાને આવ્યો તે પહેલા બોગસ નક્શાના આધારે જમીનના સોદા થઈને છેતરપિંડી થઈ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.
રૂડા વિસ્તારમાં સત્તાવાર રીતે રાજકોટ આસપાસના ૪૮ ગામોનો સમાવેશ થાય છે. મહાપાલિકાના ૧૬૧.૮૬ ચો.કિ.મી.સહિત રૂડાનો વિસ્તાર ૬૮૬.૩૦ ચો.કિ.મી.નો નિર્ધારિત થયો છે. આ સ્થિતિમાં કોઈ શખ્સોએ સોશ્યલ મિડીયામાં રૂડા વિસ્તારમાં ખંભાળા, બેટીરામપર, રીબડા, ભુણાવા સહિત આજુબાજુના અન્ય ૨૪ ગામો રૂડા વિસ્તારમાં હોય તે પ્રકારનો નક્શો રૂડાના લોગો સાથે વાયરલ કર્યો છે.