એકલા રહેતા વૃદ્ધાની કોઈ અજાણ્યો શખ્સ હત્યા કરી ફરાર બન્યો, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
Sehore,તા.10
સિહોર પંથકના આશરે ૮૦ વર્ષિય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, હત્યા કરવામાં આવી હોવાના બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકાને પગલે પોલીસ દ્વારા મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. હત્યાના ચકચારી બનાવની મળતી વિગતો પ્રમાણે સિહોર પંથકમાં પોતાના ઘરમાં એકલા રહેતા ૮૦ વર્ષિય વૃદ્ધા ગત શનિવારે સાંજે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખીને સુતા હતા. જો કે, લાંબા સમય સુધી વૃદ્ધા બેશુદ્ધ અવસ્થામાં પડયા રહેતાં અને કંઈ બોલતા નહી હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી. પાડોશીઓએ ઘરે જઈ બેશુદ્ધ અવસ્થામાં વૃદ્ધાને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, કોઈ પ્રતાક ન કરતાં પાડોશીઓ તથા વૃદ્ધાની દેખરેખ રાખતા લોકોને બોલાવી સારવાર અર્થે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને ૮૦ વર્ષીય વૃદ્ધાને મૃત જાહેર કર્યાં હતા. જો કે, વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતાં તેમના ગળા પર ઇજાના નિશાન તથા કાનમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા. તેંમનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત, વૃદ્ધાની અન્ય તપાસમાં તેમના પર દૂષ્કર્મ થયાની પણ શંકા વ્યક્ત થતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર સર ટી.હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે હત્યાના બનાવમાં પોલીસને હાલ તુરંત કોઈ કડી મળી ન હતી. જયારે, કૌટુંબિક સભ્યો તથા પોડાશીઓએ પણ કોઈના પર શંકા વ્યક્ત ન કરતાં પોલીસની પણ મુઝવણ વધી હતી. જયારે, પ્રાથમિક પીએમના આધારે વૃદ્ધાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની મૃતકના કોટુંબિક સભ્યની ફરિયાદના આધારે સિહોર પોલીસે અજાણ્યા હત્યા વિરૂદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ શરૂ કરી હતી. સિહોર પંથકના આશરે ૮૦ વર્ષિય વૃદ્ધાની હત્યા ઉપરાંત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આશંકાને લઈ પોલીસે મૃતદેહના પેનલ પીએમની કાર્યવાહી કરી હતી. દરમિયાનમાં આ આશંકા અંગે સિહોર ઈન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું કે, હાલ સિહોર પોલીસે વૃદ્ધાની હત્યા અંગે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. મૃતદેહના પેનલ પીએમ રિપોર્ટ તથા મેડિકલ રિપોર્ટ ના આધારે આગળની કાર્યવાહી થશે.