અમેરિકા પહોંચતાં જ રાહુલ ગાંધીએ ફરી એક વખત દેશને નીચો દેખાડવાનું કામ કર્યું. તેમની પાસેથી આટલી જ આશા હતી, તેમણે એવું કર્યું પણ ખરું. આ વખતે તેમણે ચૂંટણી પંચને નિશાના પર લેતાં તેને સમજૂતી કરી લેનારું ગણાવી દીધું. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓની પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવી. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા બે કલાકમાં ૬૫ લાખ મતો કેવી રીતે પડી ગયા? આમ કહીને તેઓ ભારતીય ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર આઘાત કરવા માગતા હતા. જોકે ચૂંટણી પંચે આજે તેમના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ દર કલાકે લગભગ ૫૮ લાખ વોટ પડ્યા. આ એવરેજ અનુસાર આખરી બે કલાકમાં તો ૬૫ લાખ નહીં, લગભગ ૧૧૬ લાખ મતદારો વોટ નાખી શકતા હતા! રાહુલ આ પહેલાં પણ મહારાષ્ટ્રનાં પરિણામોને અવિશ્વસનીય ગણાવી ચૂક્યા છે પરંતુ તેમના આરોપો પર ચૂંટણી પંચે આપેલા જવાબો તરફ લક્ષ પણ નથી આપતા.
તેમને હજુય મહારાષ્ટ્રની હાર હજમ નથી થઈ રહી, પરંતુ એ જ દિવસોમાં થયેલ ઝારખંડની વિધાનસભા ચૂંટણીઓ પર તેઓ કશું કહેવા નથી માગતા. તેનું કારણ એ જ છે કે ઝારખંડમાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાએ જીત હાંસલ કરી હતી. આના પહેલાં રાહુલને હરિયાણાનાં ચૂંટણી પરિણામો ગળે નહોતાં ઉતર્યાં, પરંતુ તેઓ જમ્મુ-કાશ્મીરમાં સહયોગી દળ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી ગયા હતા! હજુ હાલમાં જ દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતાઓએ તેનો શ્રેય લીધો હતો કે તેમની પાર્ટી આમ આદમી પાર્ટીને સત્તામાંથી બહાર કરવાના પોતાના ઉદ્દેશ્યમાં સફળ રહી. સ્પષ્ટ છે કે જે ચૂંટણી પરિણામો કોંગ્રેસને મનમાફક નથી આવતાં, તે રાહુલ ગાંધી અને તેમની ટોળકીના ગળે નથી ઉતરતાં. એટલું જ નહીં, તેઓ ભેજાંગેપ આરોપો લઈને આવી જાય છે. હાસ્યાસ્પદ રીતે, હરિયાણામાં તેમને ઇવીએમની બેટરીમાં ગરબડ દેખાવા લાગી હતી!
મનગમતાં ચૂંટણી પરિણામ નહિ મળવાથી રાહુલ ગાંધી કુંઠિત થઈ ગયા હોવાનું સમજાય છે, પરંતુ તેમને એટલું પણ યાદ કેમ નથી રહેતું કે જે લોકસભા ચૂંટણીઓને કારણે તેઓ વિરોધ પક્ષના નેતા બન્યા છે, તે પણ આ જ ચૂંટણી પંચે કરાવી હતી! એની પણ અવગણના ન કરવી જોઇએ કે રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓએ લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ૯૯ સીટો મળવાને એક બહુ મોટી ઉપલબ્ધિની જેમ રજૂ કરી હતી.
વિદેશ યાત્રા પર રાહુલ ગાંધીએ પહેલી વાર દેશવિરોધ નથી કર્યો, જેનાથી દેશિને છબિને મલિન કરવાનું કામ કર્યું હોય. આન ાપહેલાં તેો પોતાની વિદેશ યાત્રાઓ દરમ્યાન એમ પણ કહી ચૂક્યા છે કે ભારતમાં લોકતંત્ર દમ તોડી રહ્યું છે અને અમેરિકા-યુરોપ ચૂપ બેસી રહ્યા છે. તેઓ વિદેશી ધરતી પર એમ પણ કહી ચૂક્યા છે કે ભારતમાં અલ્પસંખ્યકો અને કેટલાક અન્ય સમૂહો સાથે બીજા દરજ્જાનો વ્યવહાર થઈ રહ્યો છે. આ નિવેદન ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહને ગમી ગયું હતું. કાશ્મીર પર રાહુલનાં વાહિયાત નિવેદનોને પાકિસ્તાનને ખૂબ ઉપયોગ કર્યાં છે. લાગે છે કે તેઓ દેશની જેમ વિદેશમાં પણ વગર વિચાર્યે, મનમાં આવે તે બકી નાખવા ટેવાઈ ગયા છે. તેનાથી તેઓ પોતાની જ હાંસી કરાવી રહ્યા છે. રાહુલ ગાંધી આ જ રીતે બોલતા રહી શકે છે, પરંતુ તેઓ એટલું સમજી શકે તો સારું કે ગમે તે બફાટ કરી દેવાને કારણે તેઓ પરિપક્વ નેતા રૂપે પ્રસ્થાપિત નથી થઈ શકતા.
ભારતમાં તમામ ચૂંટણીઓ કાયદા અનુસાર થાય છે. જે માપદંડ અને સચોટતા સાથે ચૂંટણીઓ આયોજિત થાય છે તેની વિશ્વભરમાં પ્રશંસા થાય છે. પરંતુ કેટલાક રાજકીય નેતાઓ મનગમતું પરિણામ નહીં આવવાને કારણે ચૂંટણી પંચ પર ખીજ કાઢતા હોય છે. આમ કરીને તેઓ જનતામાં ભ્રમ ફેલાવે છે અને કાયદા પ્રત્યે અનાદર પણ વ્યક્ત કરે છે.