આતંકવાદ વિરુદ્ઘ ભારતની લડાઈમાં ઘણી તેજી આવી ગઈ છે. પહેલગામ હુમલાની તપાસ એનઆઇએ અર્થાત રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દેવામાં આવી છે. આ આતંકવાદ વિરુદ્ઘ ભારતની મુખ્ય ગુપ્તચર એજન્સી છે. એક આઇજી, એક ડીઆઇજી અને એક એસપીની દેખરેખમાં ટીમોએ એ સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે, જેમણે પહેલગામની ભયાવહ ઘટના આંખે જોઈ હતી. બૈસરન ઘાટીમાં જે થયું તેને ભૂલાવી ન શકાય. સુરક્ષા દળોની પોતાની તૈયારી છે, તે તો થશે પરંતુ આંતરિક સ્તર પર એ જાણવું જરૂરી છે કે પહેલગામ હુમલા પાછળ કોણ લોકો છે? એ જાણવું એટલા માટે પણ જરૂરી છે, જેથી હવે કોઈ હુમલો ન થવા પામે અને આપણે દુનિયાને પાકિસ્તાનનું સત્ય ઉઘાડી કરી શકીએ. એ ઠીક સંકેત છે કે ગુપ્તચર અને સુરક્ષા ચૂકને ભારત સરકારે સત્તાવાર રીતે માની છે. આંતરિક રૂપે જે ચૂક થઈ છે, તેને છૂપાવવી ન જોઇએ. આતંકીઓની કાર્યપ્રણાલીના કડી માટે ફોરેન્સિક અને અન્ય વિશેષજ્ઞોની સહાયતાથી ટીમો આખા વિસ્તારની ગહન તપાસ કરી રહી છે, જેથી આતંકી ષડયંત્રને સંપૂર્ણ રીતે સામે લાવી શકાય.
દેશ સચ્ચાઈ જાણવા માગે છે અને સમસ્યાના સ્થાયી સમાધાન માટે આ જરૂરી છે. યાદ રહે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના નવા સંસ્કરણમાં ફરી એક વખત ભરોસો અપાવ્યો છે કે પીડિત પરિવારોને ન્યાય મળશે. વડાપ્રધાને બિલકુલ યોગ્ય કહ્યું છે કે આતંકી હુમલાએ દરેક દેશવાસીને દુઃખ પહોંચાડ્યું છે. નિઃસંદેહ હવે ઉપચારનો સમય છે અને તે શરૂ થઈ ચક્યો છે. એનઆઇએ સક્રિય થતાં પહેલાં જ એજન્સીોએ ઘણી બાતમી એકઠી કરી લીધી છે. એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં ૧૪ સ્થાનિક આતંકીઓની યાદી જારી કરી છે. તેમાં લશ્કરે તૈયબા, જૈશે મોહંમદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ સામેલ છે, આ તમામ આતંકી ઘાટીમાં સક્રિય હોવાનું કહેવાય છે. એમ તો એજન્સીઓએ ક્ષેત્રમાં ૫૦-૬૦ સક્રિય આતંકીની હાજરીનો દાવો કર્યો છે, પરંતુ ૧૪ આતંકી એવા છે જેમના ઠેકાણાં સહિતની સચોટ માહિતી મેળવી લેવાઈ છે. ઉલ્લેખનીય વાત છે કે ૨૦૨૧ બાદ આ યુવા આતંકી રાહ પર ગયા છે. આવા યુવાઓને પાકિસ્તાનની હકીકત ખબર નહીં હોય? નિશ્ચિતપણે આવા યુવાઓ ભારતની ખૂબીઓને સમજવામાં નિષ્ફળ જ રહ્યા છે. લાગે છે કે સામાજિક સ્તર પર નવા જાગરુકતા અભિયાનોની જરર છે. કાશ્મીરમાં સ્થાનિક સ્તરે જે મજહબી કટ્ટરતા હતી એ જ હજુ પણ જોવા મળી છે. પહેલગામ હુમલા બાદ કાશ્મીરી સમાજમાં પોતાની છબિ અને હાલત વિશે જે ચિંતા દેખાઈ છે, તે સકારાત્મક તો છે જ. આવી સકારાત્મકતાને ચારે બાજુથી બળ મળવું જોઇએ. આતંકવાદમાં કમી આવી છે તેનો લાભ કાશ્મીરી સમાજ જોઈ ચૂક્યો છે. તેમ છતાં તેમના સમાજમાં અસંખ્ય લોકો એવા છે જે આજે પણ મજહબી કટ્ટરતાના રસ્તે છે. એવા લોકો જ આતંકીઓને ગાઇડ કરે છે, આશરો આપે છે અને ભાગી જવાની વ્યવસ્થા કરી આપે છે. આવા ઘરના ભેદીઓ સાથે કેવી રીતે કામ પાર પાડવું એ આ સરકાર સારી રીતે જાણે છે. એનઆઇ જેવી એજન્સીઓ કાશ્મીરની રાહમાં પડેલા આ કાંટા દૂર કરી જ દેશે.