કોઈપણ ભાષા તેના કુદરતી ક્રમે વિકસે કે લુપ્ત થાય તે સમજી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતીને પરાણે લુપ્ત કરવાના પ્રયત્નો થતા હોવાની વાતો ખુલી રહી છે. ગુજરાત સરકાર ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરતી જાય છે ને અંગ્રેજી માધ્યમની સ્કૂલોને લાઇસન્સ આપતી જાય છે. આપણને એનું આશ્ચર્ય થતું નથી કે અંગ્રેજ સરકારે તેની કોઈ ગરજ ન હતી, એ સમયે ગુજરાતી સ્કૂલો શરૃ કરાવી અને ગુજરાત સરકારે ગુજરાતી સ્કૂલો બંધ કરાવીને અંગ્રેજી સ્કૂલો શરૃ કરવાની દિશામાં આગળ વધતી હોવાની ચિંતા દરેક ગુજરાતી અનુભવી રહ્યો છે. પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ, એવું દુનિયા પોકારીને કહે છે, પણ ગુજરાતને એ જાણે કે સંભળાતું નથી. ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એની સામે અંગ્રેજીમાં નાપાસ થનારની સંખ્યા ઓછી હોવાની ચર્ચા થાય એ શરમજનક છે. એનો અર્થ એ કે ગુજરાતી તરફ અંગ્રેજી કરતાં ધ્યાન ઓછું જ અપાય છે. આવું એટલે કહેવાનું કારણ, ઈઝરાયેલની રચના ૧૯૪૮માં થઈ ત્યારે જ હિબ્રૂાને અધિકૃત ભાષા તરીકે જાહેર કરવામાં આવી. એ વખતે હિબ્રૂામાં કોઈ સાહિત્ય ઉપલબ્ધ ન હતું. ઇઝરાયલે સાત વર્ષમાં હિબ્રૂામાં તમામ સામગ્રી તૈયાર કરાવી ને પછી શિક્ષણનો પ્રારંભ કર્યો. કોઈ પ્રજા માતૃભાષા પરત્વે કેવંછ મમત્વ દાખવી શકે તેનું ઈઝરાયેલ વૈશ્વિક ઉદાહરણ છે.
પશ્ચિમનાં આટલાં અનુકરણ પછી પણ, મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં બંગાળી, પંજાબમાં પંજાબી ભાષાને સંસ્કૃતિની અસર જોવા મળે છે. એવી સ્થિતિ ગુજરાતમાં જુદી હોવાની વાત છે. અહીં અંગ્રેજી, અંગ્રેજી એટલે થાય છે, કારણ કે ગુજરાતનો વિદ્યાર્થી અમેરિકા, ઈંગ્લેન્ડ જાય તો ત્યાં અંગ્રેજીમાં ચાલતા વ્યવહારમાં કાચો ન પડે. સરકાર એ ચિંતા કરે તે વાજબી પણ છે, પણ એવા વિ-દેશીઓ માટે સરકાર અંગ્રેજી ભણાવવાની જુદી વ્યવસ્થા કરી શકેને ! વિદેશમાં અવદશા ન થાય એટલે સરકાર અંગ્રેજી પર વધારે ધ્યાન આપે ને વધુ અંગ્રેજીની સ્કૂલો ખોલે તો ભલે, પણ આખું ગુજરાત કે તેના ૭ કરોડ ગુજરાતીઓ ઈંગ્લેન્ડ કે અમેરિકામાં વસવાના નથી એ સત્ય માટે બન્ને તરફે ઈરાદાપૂર્વક આંખ આડા કાન થાય છે. સંતાનની અંગ્રેજીની જોડણી ખોટી ન પડે એની કાળજી અભણ માબાપ પણ રાખે છે, પણ ગુજરાતીનો શિક્ષક વર્ગમાં ખોટું ગુજરાતી બોલે કે લખે તેની ચિંતા કોઈને નથી. આજના વેપારી યુગમાં શિક્ષણને સંવેદન જોડે ઝાઝી લેવાદેવા રહી નથી. કમાવી આપે તે શિક્ષણ એ નવી નીતિ છે. માત્ર ધંધાકીય કૌશલ્ય જ કેન્દ્રમાં રહે ને કલા, સાહિત્ય, સંગીત પાછળ નાખવામાં આવે તો માણસ અને યંત્ર વચ્ચે ઝાઝો ફરક નહીં રહે. આજની ભાષા સલાહ, ઉપદેશ કે પ્રચાર પૂરતી જ સીમિત થઈ ગઈ છે.