મુંબઈ પર ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલ આતંકવાદી હુમલાના એક મુખ્ય દોષી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવો એ મોદી સરકારની એક મોટી સફળતા છે. આતંકી રાણાએ અમેરિકાથી પ્રત્યાર્પણથી બચવા માટે કેટલાય દાવ ચાલ્યા હતા, પરંતુ તેની એક ચાલાકી ન ચાલી. હવે તે આ દેશની ધરતી પર કેદમાં રહેશે. આ સુશિક્ષિત આતંકવાદી પાકિસ્તાનમાં જન્મ્યો છે, પરંતુ કેનેડાનો નાગરિક છે. અમેરિકામાં પણ તે જેલમાં જ સજા કાપતો હતો, પરંતુ હવે તે ભારતમાં એનઆઇએના હવાલે રહેશે. તેની સાથે વિસ્તારથી પૂછપરછ થશે અને આતંકી હુમલા સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ મળી શકશે. ભારતની એ જૂની કોશિશ રહી છે કે ૨૬/૧૧ના દોષીઓને યથોચિત સજા અપાવે. જોકે તેમાં ઘણો વિલંબ થઈ ચૂક્યો છે. ભારતની વ્યાવસાયિક રાજધાની પર જે રીતે નિર્મમ હુમલો થયો હતો, તેના એક-એક દોષીને સજા મળવી જોઇએ. દસ આતંકીઓએ ૧૭૫ નિર્દોષ લોકોની હત્યા કરી હતી, નવ આતંકીઓ તો હુમલા દરમ્યાન જ માર્યા ગયા હતા અને એક આતંકી અજમલ કસાબને બાદમાં ફાંસી થઈ હતી.
અફસોસની વાત છે કે મુંબઈ હુમલાના કાવતરામાં સામેલ તમામ લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. તેથી તહવ્વુર રાણાને ભારત લાવવો કોઈ ખુશખબરીથી ઓછું નથી. ભારતમાં પૂછપરછનાં જે નવાં તથ્યો ખૂલશે તેનો ફાયદો ભવિષ્યમાં આતંક વિરોધી અભિયાનમાં થઈ શકશે. એનઆઇએ બહેતર પૂછપરછથી આતંકી નેટવર્ક પર પ્રહાર કરવાની ક્ષમતા વધારી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી જો આ સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે તો સ્વાભાવિક જ છે. ધ્યાન રહે, ૬૪ વર્ષનો રાણા કોઇ રીતે માફીને હકદાર નથી. મુંબઈ હુમલામાં છ અમેરિકી નાગરિકો પણ માર્યા ગયા હતા. તેથી અમેરિકાએ બાકાયદા એ હુમલાના બે મોટા કાવતરાખોરો તહવ્વુર રાણા અને ડેવિડ હેડલીને કેદની સજા સંભળાવી હતી. આ બંને આતંકીઓ મૂળ રૂપે પાકિસ્તાની છે. ઉલ્લેખનીય છે કે કેનેડાની નાગરિકતા ધરાવતા રાણાને તો અમેરકાએ સોંપી દીધો, પરંતુ અમેરિકી નાગરિકતા ધરાવતા હેડલીને આપવાની હજુ ચર્ચા નથી. એ પણ ઉલ્લેખનીય છે કે ભારતીય તપાસ એજન્સી વર્ષો પહેલાં હેડલી સાથે એક વખત પૂછપરછ કરી ચૂકી છે, જ્યારે રાણાની પૂછપરછનો મોકો નથી આવ્યો. વાસ્તવમાં રાણા અને હેડલી, બંને ભારતના ગુનેગાર છે. ત્રીજો મોટો આરોપી હાફિઝ સઇદ પાકિસ્તાનમાં આરામથી ફરી રહ્યો છે, જે દિવસે આ ત્રણેયને ભારત સરકારના કાયદ અંતર્ગત સજા થશે, એ દિવસે ન્યાય થશે. ન્યાય વહેલો થવો જોઇએ. ભારતે આતંકવાદ વિરુદ્ઘ લડાઈ તેજ કરવી જોઇએ, જેથી આતંકીઓ અને કાવતરાખોરો વચ્ચે યોગ્ય સંદેશ પહોંચે કે ભારત પોતાના દુશ્મનોને છોડતું નથી. સાથે જ ભારત એ આશા રાખશે કે અમેરિકા હોય કે કેનેડા, આ દેશ પોતાની જમીન પર ભારત વિરોધી આતંકીઓની ચુસ્તતાથી લગામ કસે.