Dwarka ,તા.૨૧
દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ૩૬ ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કર્યા છે.
જિલ્લાના અત્યંત સંવેદનશીલ માનવામાં આવતા કાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસરના દબાણો હટાવવાનું ઓપરેશન ૧૧મી જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવ્યું હતું તે ઓપરેશન ૧૮મી જાન્યુઆરીના રોજ પૂરું થયું છે. આ અગાઉ ૨૦૨૨માં પણ અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ વખતે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને કુલ રૂ.૧૨૫ કરોડની સરકારી જમીન અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી છે.
દ્વારકા અને ઓખા વિસ્તારમાં આઠ દિવસના આ સમયગાળામાં જુદાં-જુદાં રહેણાક મકાનો, કોમર્સિયલ તેમજ ધાર્મિક સહિત ૫૦૦થી પણ વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તેમા સવા લાખ ચોરસ મીટરથી વધુ સરકારી અને ગોચર જમીનો અતિક્રમણથી મુક્ત કરાવવામાં આવી હતી. આમ લગભગ રૂ. ૭૫ કરોડની કિંમતની જમીન પુનઃ સરકાર હસ્તક લેવામાં આવી હતી.
સમગ્ર ડિમોલિશન ઓપરેશન દરમિયાન ક્યાંય પણ કાંકરીચાળો થયો ન હતો કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા નીતેશ પાંડેની રૂબરુ દેખરેખ હેઠળ બે ડીવાયએસપી અને તેમની ટીમના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં તમામ દબાણકર્તાઓને નિયમ મુજબ બે-બે નોટિસો તેમજ જરૂરી મુદત અને ત્યારબાદ ૨૪ કલાકની આખરી નોટિસો પણ પાઠવવામાં આવી હતી. ડિમોલિશન પૂર્વે જે તે સ્થળે જઈ અને અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે તે આસામીઓ પાસેથી તેઓની જગ્યા ન હોવાના કાયદેસરના આધારો અને રેકોર્ડ મંગાવવામાં આવ્યા હતા. તે ન મળતા દબાણ હટાવાયા હતા.
અસરગ્રસ્ત હોય તેને ચાર-પાંચ દિવસ રહેવાજમવાની વ્યવસ્થા માટે ટ્રાન્ઝિટ કેમ્પ પણ ખોલવામાં આવ્યા હતા. આ અગાઉ દ્વારકા-બેટ દ્વારકામાં ૨૦૨૨માં કરવામાં આવેલા ઓપરેશનમાં ૫૦ કરોડ રૂપિયાની જમીન અતિક્રમણથી ખુલ્લી કરવામાં આવી હતી.