Mumbai,તા.01
પ્રાયમરી માર્કેટમાં આઈપીઓ સાથે દાખલ થયેલી કંપની ડો. અગ્રવાલ હેલ્થકેર લીમીટેડને ઈન્વેસ્ટરોએ પાઠ ભણાવ્યો હોય તેમ એકદમ કંગાળ ભરણુ થયુ હતું. પરિણામે ગ્રે માર્કેટમાં ચાલતુ મામુલી પ્રીમીયમ પણ ધોવાઈ ગયુ હતું. સંસ્થાકીય ઈન્વેસ્ટરોના સહારે કંપની નાણા એકત્રીત કરી શકી હતી.
પ્રાયમરી માર્કેટમાંથી 2027.26 કરોડ એકત્રીત કરવા તામીલનાડુના ચેન્નઈમાં હેડકવાર્ટર ધરાવતી કંપની ડો. અગ્રવાલ હેલ્થકેરનો આઈપીઓ 29 જાન્યુઆરીએ ખુલ્યો હતો. આજે ભરણાનો અંતિમ દિવસ હતો. સંસ્થાકીય સિવાય અન્ય કોઈપણ કેટેગરીમાં 50 ટકા પણ ભરાઈ શકતો ન હતો.
આજે બપોરે બે વાગ્યાની સ્થિતિએ વેબસાઈટના આંકડા મુજબ રીટેઈલ કેટેગરીમાં માત્ર 0.26 ટકાનુ ભરણુ હતુ. બે લાખની કેટેગરીમાં 0.41 ટકા તથા 10 લાખની અરજીવાળા એચએનઆઈ કેટેગરીમાં 0.24 ટકાનુ ભરણુ થયુ હતું.
સૂચક બાબત એ હતી કે, શેરહોલ્ડર કેટેગરીમાં પણ માત્ર 0.39 ટકા જ ભરણુ હતુ. એક માત્ર સંસ્થાકીય કેટેગરીમાં તે છલકાયો હતો. સંસ્થાકીય શ્રેણીમાં 4.18 ગણુ ભરણુ થતા આઈપીઓ કુલ 1.3 ગણો ભરાઈ શકયો હતો. બ્રોકરોના કહેવા પ્રમાણે કંપનીના અનેક જોખમી પાસાઓને કારણે સતર્કતા દાખવીને ઈન્વેસ્ટરોએ રોકાણ કરવામાં ખાસ રસ લીધો ન હતો.
સંસ્થાકીય શ્રેણી સિવાયની કેટેગરીમાં ખાસ ભરણુ ન હોવાથી ગ્રે માર્કેટમાં પ્રીમીયમ પણ ધોવાઈ ગયુ હતુ. રૂા.402ના મૂળ ભાવના શેરમાં ગઈકાલે 3 રૂપિયા પ્રીમીયમ બોલાઈ ગયુ હતું. આજે તે શૂન્ય થઈ ગયુ હતું. પ્રાયમરી માર્કેટના સૂત્રોએ કહ્યું કે ભરણુ બંધ થવાના આડે ગણતરીનો સમય બાકી હતો એટલે રીટેલ કે એચએનઆઈ કેટેગરીમાં તે પૂર્ણ ભરાઈ શકવાની શકયતા ધુંધળી છે.
હ્યુંડાઈ મોટર્સ બાદ રાજકોટના ઈન્વેસ્ટરોએ વધુ એક કંપનીને પરચો બતાવ્યો છે. પ્રાયમરી માર્કેટમાં રાજકોટનુ નામ મોખરે છે. આઈપીઓની સફળતા-નિષ્ફળતા નકકી કરવામાં રાજકોટનો સિંહફાળો હોય છે. રાજકોટના બ્રોકરોએ ડો. અગ્રવાલના આઈપીઓમાં ગ્રે માર્કેટમાં કોઈ વેપાર જ ન કર્યા હોવાનું કહેવાય છે.