Washington,તા.24
અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરવા ટ્રમ્પ તંત્રનું અભિયાન વધુ આક્રમક બન્યુ હોય તેમ આવા લોકોને નોકરી આપનારની પણ ધરપકડ થતા ખળભળાટ સર્જાયો છે. ટેકસાસમાં ગેરકાયદે વસાહતીઓને નોકરી આપનાર માલિકની પણ પોલીસે ધરપકડ કરી હતી.
ટેક્સાસ ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર સાઉથ ટેક્સસની બેકરીના ઓનરની એલિયન હાર્બરિંગના ચાર્જ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 12ના રોજ હોમલેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન્સ દ્વારા ટેક્સસની કેમરૂન કાઉન્ટીમાં આવેલા લોસ ફ્રેસનોસ સિટીમાં વર્કપ્લેસ પર રેડ કરવામા આવી હતી.
જેમાં આઠ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ પકડાયા હતા, એજન્સીના જણાવ્યા અનુસાર બેકરીના ઓનર લિયોનાર્દો બાએઝ અને નોરા એલિશિયા પર ઈલીગલ એલિયન્સને અમેરિકામાં લાવવાનો અને તેમને કામ પર રાખવાનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો.
HSIના સ્પેશિયલ એજન્ટ દ્વારા આ અંગે ફાઈલ કરાયેલી ફોજદારી ફરિયાદમાં જણાવાયું છે કે, બેકરીના ઓનર્સે કબૂલ્યું હતું કે, પોતાને ત્યાં કામ કરતાં અનડોક્યુમેન્ટેડ છે તે વાતની તેમને પહેલાથી જ જાણ હતી, તેમ છતાંય તેણે તમામને જોબ પર રાખ્યા હતા. કાર્યવાહીથી દસ હજારથી પણ ઓછી વસ્તી ધરાવતા બોર્ડર ટાઉન લોસ ફ્રેસનોસમાં ડરનો માહોલ છે, આ ટાઉનમાં મેક્સિકન ઈમિગ્રન્ટ્સ મોટી સંખ્યામાં રહે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન પણ ICE દ્વારા કોઈ બિઝનેસ ઓનર પર એલિયન હાર્બરિંગનો ચાર્જ લગાવાયો હોય તેવી ગણીગાંઠી ઘટના જ સામે આવી હતી. એપ્રિલ 2018થી લઈને માર્ચ 2019માં ICE દ્વારા સમગ્ર અમેરિકામાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સને જોબ પર રાખવા બદલ 11 બિઝનેસ ઓનર્સ સામે સાત ક્રિમિનલ કેસ ફાઈલ કરવામાં આવ્યા હતા.
ટ્રાન્ઝેક્શનલ રેકોર્ડ એક્સેસ ક્લીયરિંગ હાઉસના ડેટા અનુસાર આ ગાળા દરમિયાન નાના બિઝનેસ ઓનર્સ સામે જ ICE દ્વારા કાર્યવાહી કરાઈ હતી જ્યારે કોઈ કંપની સામે ICE એ આવો કોઈ કેસ નહોતો કર્યો.
યુએસમાં હાલ એવો માહોલ છે કે, જેમની પાસે વર્ક પરમિટ નથી તેવા લોકોને જોબ પર રાખતા પહેલા ઓનર્સ ગભરાઈ રહ્યા છે, તેમાંય જેમનું ગ્રીન કાર્ડ હાલમાં જ આવ્યું છે કે પછી જે ગ્રીન કાર્ડના વેઈટિંગમાં છે તેવા ઓનર્સ તો આવું કોઈ રિસ્ક લેવા માટે જ તૈયાર નથી.