Junagadh,તા.૨૬
જૂનાગઢના તબીબો ૨૨ વર્ષીય મહિલા માટે દેવદૂત સાબિત થયા છે. ગીર સોમનાથ જિલ્લાના વતની વનીતાબેન વાઘેલાએ પોતાની જિંદગી માટેના જંગમાં વિજય મેળવ્યો અને પોતાના બાળકનો પણ જીવ બચાવ્યો. તબીબોએ આ કસોટીભર્યા સમયમાં તેમની મદદ કરી, જ્યારે લોહીના કણ ઘટતા હતા અને પ્રસુતિનો સમય નજીક આવી રહ્યો હતો. વનીતાબેન અને તેમના બાળકનો જીવ બચાવવો અત્યંત જરૂરી હતો. આ માટે જૂનાગઢના ન્યુ લાઈફ કેર હોસ્પિટલના ડૉ. કે. પી. ગઢવી, હોપ હોસ્પિટલના ડૉ. ભાર્ગવ ફળદુ અને રમેશ માલમેએ અફરાતફરી વચ્ચે તેમની જિંદગી બચાવી હતી.
જૂનાગઢના તબીબ ડૉ. કે.પી. ગઢવીએ સમગ્ર પરિસ્થિતિ વિશે જણાવતા કહ્યું કે, વનીતાબેન વાઘેલાને નવ મહિના પૂર્ણ થયા હતા અને તેઓ ડેન્ગ્યુ પોઝિટિવ હતા. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડેન્ગ્યુના કારણે તેમના પ્લેટલેટ કાઉન્ટ ઘટી રહ્યા હતા. ડેન્ગ્યુના કાઉન્ટ ઘટતા જતા જીવલેણ બીમારી બની શકે છે. આ કેસમાં, વનીતાબેનને ડેન્ગ્યુ હતું અને પ્રસુતિનો સમય પણ નજીક હતો, તેથી ડોક્ટરોએ એક સાથે બે જીવને બચાવવાની જહેમત ઉઠાવવી પડી હતી. ત્યાંથી આ દંપતી જૂનાગઢ પહોંચ્યું અને મહિલાને ત્યાંની હોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને એડમિટ કરવામાં આવ્યા, ત્યારે તાવને પાંચ દિવસથી વધુનો સમય થઈ ગયો હતો. બ્લીડીંગ અને વધુ દુખાવાના કારણે નોર્મલ ડિલિવરી શક્ય ન હતી. ૪૨૦૦૦ પ્લેટલેટ કાઉન્ટ હોવાથી સિઝેરિયન કરવું જોખમી હતું. તેથી ડોક્ટરોની ટીમે ચાર પ્લેટલેટ અને બ્લડ મંગાવીને કામગીરી શરૂ કરી હતી.
સિઝેરિયન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું, પરંતુ તે પછી મહિલાનો બ્લડ કાઉન્ટ ઘટતો રહ્યો. બીજા દિવસે તેમનો બ્લડ કાઉન્ટ ૨૧,૦૦૦ પર પહોંચી ગયો. લોહીના બોટલા આપવામાં આવ્યા હતા છતાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધતું ન હતું. આ સ્થિતિમાં, બ્લીડિંગની શક્યતા ચકાસવા સોનોગ્રાફી કરવામાં આવી. સોનોગ્રાફીમાં બ્લડ ક્લોટીંગ દેખાયું નહીં, પરંતુ પેટમાં ગઠ્ઠો દેખાયો. લેપ્રોસ્કોપી દ્વારા તપાસ કરતા, ટાંકા લેવામાં આવેલા સ્થળે લોહીનો ગઠ્ઠો જોવા મળ્યો હતો. ત્યારબાદ સારવાર કરીને ફરીથી ટાંકા લગાવ્યા અને મહિલાને વેન્ટિલેટર પર રાખવામાં આવી. પેશન્ટને યુરિન પણ ઓછું આવતું હતું અને બ્લડપ્રેશર પણ ઓછું હોઈ, ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી. આ સારવાર દરમિયાન ૮ બોટલ બ્લડ, ૮ ઘટકો એટલે કે પ્લેટલેટ અને ૬ એફએફપી એમ કુલ ૨૪ બોટલ રક્ત ચડાવવામાં આવ્યું હતું. આ પેશન્ટ પર સતત ૧૦ થી ૧૫ દિવસ માટે ૨૪ કલાક ૩ ડોક્ટરોની ટીમ દેખરેખ રાખી રહી. ૧૦ દિવસ બાદ પેશન્ટ ફરીથી જ્યારે ડોક્ટરને બતાવવા પહોંચ્યો, ત્યારે તેના તમામ ટાંકા ખોલી નાખવામાં આવ્યા હતા. હાલમાં બાળક અને માતા બંનેનો જીવ બચી ગયો છે અને બંને હાલમાં સ્વસ્થ છે.