રૂ. 10 હજારના 14 હજાર ચૂકવ્યા છતાં વધુ 30 હજારની ઉઘરાણી : વાડીએ ધસી જઈ પિતાને ધમકાવ્યા
Vinchiya,તા.18
વિંછીયાના અપંગ યુવક પાસે વ્યાજખોરે રૂ. 30 હજારની માંગણી કરી મારકૂટ કરીને પિતાને ધમકી આપનાર આંસલપુરના વ્યાજખોર વિક્રમ ડોડીયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના આસલપુર ગામે રહેતા 33 વર્ષીય વિકલાંગ યુવક ભુપતભાઈ વાલજીભાઈ સાંકળીયાએ નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર તરીકે આસલપુર ગામના જ વિક્રમ જીજીભાઈ ડોડીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા ખેતીના કામ સબબ મારે પૈસાની જરૂરીયાત પડતા અમારા ગામના વિક્રમભાઈ જીજીભાઈ ડોડીયા પાસેથી રૂ. 10 હજાર 20% વ્યાજે લીધેલ હતા. બાર માસ પહેલા વિક્રમને વ્યાજ સહીત કુલ રૂ. 14 હજાર ચૂકવી દીધા હતા.
યુવકનું મુંબઈ ખાતે અકસ્માત થતાં બન્ને પગે ઓપરેસન આવતા તેઓ હલનચલન કરવા અશક્ત થયાં હતા. તારે મારા પૈસા નથી આપવાના કે શું? તારો બાપ વ્યાજ વધી ગયુ છે તેમ કહીને ગાળો આપવા લાગેલ હતો. ત્યારે મે કહેલ કે, તમારા પૈસા મારે આપી દેવા છે હુ અત્યારે કામ કરી શકુ તેમ નથી થોડો ટાઈમ રાહ જોવો, હું તમારા પૈસા અને વ્યાજ બધુ આપી દઈશ. જે બાદ વિક્રમ ઉશકેરાય ગયેલ અને મને ગાલ ઉપર બે ત્રણ લાફા મારી દીવાલ સાથે ભટકાડી નીચે પાડી દીધેલ હતો. દરમિયાન મારો નાનોભાઈ ઘનશ્યામ આવી જતાં તેણે મને વધુ મારથી બચાવ્યો હતો. બાદ વિક્રમ અવાર નવાર મારા ઘરે તથા વાડીએ આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો. બે દીવસ પહેલા વિક્રમ વાડી ખાતે આવ્યો હતો જયારે હું હાજર ન હતો. ત્યારે મારા પિતા વાલજીભાઇ સાથે ગાળાગાળી કરી તારા દીકરાને કહેજે કે મને વ્યાજ સાથે 30 હજાર આપી દે નહીંતર હાથ પગ ભાંગીને પૈસા લેવાની તેવડ છે. જે અંગે પિતાએ વાત કરતા અંતે વિંછીયા પોલીસના ફરિયાદ નોંધાવી હતી.
મામલામાં વિંછીયા પોલીસે વિક્રમ ડોડીયા વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.