Jamnagar,તા.16
જામનગર મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના ફલાય અવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે હવે હાલ અંતિમ તબક્કામાં છે, અને અંબર ચોકડી પાસેનો અંતિમ પોઈન્ટ જોઈન્ટ કરવા માટેની કામગીરી ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે.
જેના ભાગરૂપે અંબર સિનેમાથી જુના રેલવે સ્ટેશન તરફ જવા માટેના પ્રથમ તબક્કામાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, અને રેલ્વે સાઈડિંગ તરફથી રસ્તો કાઢીને હાલમાં વાહનો વાળવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ડીએસપી બંગલાથી અંબર સિનેમા તરફ જવા માટેના વાહનચાલકો માટે પણ ડાઈવર્જન કાઢવા માટેની વ્યવસ્થા ચાલી રહી છે, અને તે વાહનચાલકોને અંબર સિનેમા તરફ વાળીને ત્યાંથી ડાઈવર્જન મારફતે ફરી અંબર રોડ પર જવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
આ સમગ્ર કાર્યવાહી 40 થી 45 દિવસ ચાલે તેમ છે. ત્યાં સુધી ડાઈવર્જનનો ઉપયોગ કરીને વાહનો ચલાવવામાં આવશે, અને તે અંગેનું મ્યુનિ. કમિશનરનું જાહેરનામ પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થઈ જશે, તેમ મહાનગરપાલિકાના સૂત્રો મારફતે જાણવા મળી રહ્યું છે.