Surendranagar,તા.01
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તાર તેમજ તાલુકામાં જુગાર ઠેરઠેર ધમધમી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી વર્લી મટકાનો જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી ૧૧ શખ્સો સામે પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામની સીમમાં આવેલી ભાગવી રાખેલ વાડીમાં પાકની વચ્ચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ટીમ સાથે રેઈડ કરી હતી. જેમાં સ્થળ પરથી મનભાઈ ગોવિંદભાઈ કમેજળીયા અને વિપુલભાઈ નારાયણભાઈ દલસાણીયા (બંને રહે.ગુજરવદી)ને રોકડ રૂા.૯,૬૦૦ તેમજ પટ પરના રૂા.૨,૯૫૦ મળી કુલ રૂા.૧૨,૫૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પ્રવિણભાઈ ઈશ્વરભાઈ પટેલ, અયજભાઈ પ્રવિણભાઈ પટેલ, પ્રકાશભાઈ ધીરૂભાઈ પટેલ, ઈલીયાસભાઈ બાબુભાઈ ધાંચી અને અંકિતભાઈ ડાયાભાઈ ધુમલીયા (તમામ રહે.ગુજરવદી) નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. આથી પોલીસે ઝડપાયેલ બંને શખ્સો સહિત કુલ ૭ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પતરાવાળી ચોક વિસ્તારમાં મંગલમ પાન પાર્લર પાસેથી વર્લી મટકાનો જુગાર રમતા પ્રેમજીભાઈ ઉર્ફે બાબુ સવાભાઈ વાઘેલા (રહે.કૈલાશ પાર્ક, દાળમીલ રોડ)ને એ-ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે વઢવાણ પોલીસે બારી રોડ પરથી મુકેશભાઈ મફાભાઈ ખાખરોડીયાને અને ધ્રાંગધ્રા સીટી પોલીસે નવયુગ સામે જીનમાંથી રમેશભાઈ ચતુરભાઈ ચાવડા રહે.ધ્રાંગધ્રાવાળાને તેમજ થાન પોલીસે થાન-ચોટીલા રોડ પરથી વિજયભાઈ સકરાભાઈ પટણીને વર્લી મટકાનો જુગાર રમતા રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.