New Delhi,તા.29
ચેન્નાઈ સુપર કિંગ્સને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. RCBએ CSKને 50 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ નિર્ણયની ઈરફાન પઠાણ, રોબિન ઉથપ્પા અને આકાશ ચોપરા જેવા પૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે એમએસ ધોની પર સવાલ ઉઠાવતા તેની જબરી મજાક ઉડાવી છે.
વાસ્તવમાં વીરેન્દ્ર સેહવાગ ક્રિકબઝ પર પોતાની વાત રાખી રહ્યા હતા. તેણે કહ્યું કે, ‘ધોની બહુ જલ્દી આવી ગયો.’ ત્યારબાદ ત્યાં હાજર બધા હસવા લાગ્યા. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, ‘જ્યારે તે આવ્યો ત્યારે 16 ઓવર થઈ ગઈ હતી. સામાન્ય રીતે તે 19મી કે 20મી ઓવરમાં આવે છે. તે બહુ જલ્દી આવી ગયો. કાં તો તે જલ્દી આવી ગયો અથવા તો તેમના બેટ્સમેનોએ પોતાની વિકેટો જલ્દી ગુમાવી દીધી. હવે સોશિયલ મીડિયા પર વીરેન્દ્ર સેહવાગનો આ વીડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.શુક્રવારે RCBએ CSKને 50 રનથી હરાવ્યું હતું. RCBએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 197 રનનો સ્કોર બનાવ્યો હતો. RCB માટે કેપ્ટન રજત પાટીદારે 32 બોલમાં સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફિલ સોલ્ટે 16 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 3 વિકેટ ખેરવી હતી. RCBના 197 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટ પર માત્ર 146 રન જ બનાવી શકી. આમ RCBએ 50 રનથી મોટી જીત નોંધાવી.