Ahmedabad,તા.12
અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હનુમાનદાદાને સિંદૂર, તેલ, ફૂલ-હાર, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે સવારે ઉત્થાપન આરતી અને ત્રિયંજન, મંદિર ધ્વજારોહણ,સુંદરકાંડના પાઠનું આયોજન,બપોરે 12 થી 12.30 કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી અને ભજન કીર્તન સાથે છપ્પનભોગ અન્નકૂટ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી સાથે-સાથે મહાપ્રસાદી (ભંડારો), મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા શ્રી હનુમાનજીની મહત્તા અને મહિમાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે ભક્તો દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને મંદિરનાં પટાંગણ ખાતે જન્મોત્સવની ઉજવણી રંગે ચંગે ભક્તિભાવથી કરી રહ્યા છે.હનુમાન જન્મોત્સવની ઉજવણી એટલે હનુમાનજીની ભક્તિ, ઉપાસના, સાધના દ્વારા સિધ્ધિ અને સુખ-સમૃધ્ધિ મેળવવાનો આ અનેરો અવસર છે.પ્રભુ ભક્તિ કરનારા પરત્વે તેમની ઉદારતા અપરંપાર છે.હનુમાનજીએ ક્યારેય મોટપ કે માભો બતાવ્યા નથી.આપણા દેશે હનુમાનજીને લોક્દેવતા તરીકે સ્વીકાર્યા છે તે જાગતા દેવ છે,“રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી” ધૂન–જય ઘોષ ભારતભરમાં જાણીતો છે.