Vadodara,તા.10
વડોદરા શહેરમાં હાલ 31 ઉંચી પાણીની ટાંકીઓ છે, જે પૈકી ગોરવાની ટાંકી આશરે 40 વર્ષ જૂની છે, અને તે જર્જરીત થતા નવી બનાવવાની માંગણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ સમિતિએ હજી તાજેતરમાં જ પાણીગેટ ખાતેની વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડીને નવી બનાવવાની દરખાસ્ત મંજૂર કરી છે. હાલ લાલબાગની 53 વર્ષ જૂની ટાંકી તોડીને નવી બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે 47 વર્ષ જૂની જેલ ટાંકી તોડીને નવી બનાવી શરૂ કરી દીધી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં ગોરવા અંકોડીયા, કરોડિયા ખાતે પાણીના પ્રેશર ની સમસ્યા હલ કરવા બુસ્ટિંગ સ્ટેશનની કામગીરી હાલ ચાલુ છે. પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની ડિમાન્ડ વધતા અનગઢ ખાતે 100 એમએલડી કેપેસિટીની ક્ષમતા નો 150 કરોડના ખર્ચે પાણીનો નવો સ્ત્રોત વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. વોર્ડ નંબર 8 ના ભાજપના કોર્પોરેટર ના કહેવા મુજબ ગોરવાની ટાંકી આશરે 40 વર્ષ અગાઉ જ્યારે બનાવવામાં આવી ત્યારે ગોરવા વિસ્તાર ડેવલપ થયો ન હતો, વસતી પણ ઓછી હતી, અને હવે ચારે બાજુ સોસાયટીઓ બંધાતા હાઉસિંગ ના મકાનો પણ ઉભા થતા વસ્તી વધી છે, અને તેની સામે પાણીની ડિમાન્ડ વધતા પ્રેશરના પ્રશ્ન ઉપસ્થિત થયા છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવતા બજેટમાં ગોરવા વિસ્તારમાં પાણીની ઊંચી ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપ વગેરે બનાવવાનું કામ મૂકવામાં આવ્યું છે.ટાંકી જેમ ઊંચી બનશે તેમ પ્રેશરની સમસ્યા ઓછી રહેશે. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ ગોરવા વિસ્તારમાં પાણીના પ્રેશર પ્રશ્ને મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.