આ રાજ્યોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, તમિળનાડુ, બિહાર, મહારાષ્ટ્ર તથા કર્ણાટકનો સમાવેશ થાય છે
New Delhi, તા.૩૦
દેશના સાત રાજ્યોમાં દિવાળીમાં પ્રદુષણના કારણે ફટાકડાં ફોડવાં પર વિવિધ પ્રકારના પ્રતિબંધ મુકાયા છે. આ રાજ્યોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, તમિળનાડુ, બિહાર, મહારાષ્ટ્ર તથા કર્ણાટકનો સમાવેશ થાય છે. દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ કમિટી (ડીપીસીસી)એ સૌથી વધુ પ્રદુષિત એવી દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડાંના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફટાકડાં ફોડવા પર ૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધમાં ઓનલાઈન વેચાણનો પણ સમાવેશ થાય છે. માત્ર દિવાળીના દિવસે રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી પર્યાવરણને હાનિકારક ના હોય તેવા ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી અપાઈ છે. બિહારમાં ગ્રીન ફટાકડાં સહિત તમામ પ્રકારના ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. મહારાષ્ટ્રમાં માત્ર ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત મુંબઈ પોલીસે ૨૩ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર સુધી ટુક્કલ પર પણ પ્રતિબંધ મુક્યો છે. કર્ણાટકમાં પણ દિવાળીના દિવસે માત્ર ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી અપાઈ છે. પંજાબમાં પણ દિવાળી ઉપરાંત ગુરુપરબ, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં નિર્ધારિત સમય દરમિયાન માત્ર ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી અપાઈ છે. હરિયાણામાં ખાસ કરીને ગુરૂગ્રામમાં પણ પ્રદુષણના વધતાં પ્રમાણને કારણે મર્યાદિત સમય માટે ફટાકડાં ફોડવાની મંજૂરી અપાઈ છે. પશ્ચિમ બંગાળ સરકારે પણ સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે રાજ્યમાં દિવાળીની રાત્રે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવાની મંજૂરી આપી છે.