New Delhi, તા.17
દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. બુધવારે (16મી ઓક્ટોબર) એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હી-એનસીઆરની હવામાં સ્ટબલ મિક્સિંગના ધુમાડાને કારણે સર્વત્ર ધુમ્મસ છે.
દિલ્હી અને નોઈડાના આકાશમાં ધુમાડો દેખાઈ રહ્યો છે. આ ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. પ્રદૂષણના મામલે ટોપ 10 શહેરોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર પહેલા નંબર પર છે. જ્યારે દિલ્હી ખરાબ હવાની ગુણવત્તા સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે ગ્રેટર નોઈડા છઠ્ઠા અને નોઈડા સાતમા ક્રમે છે.
દિલ્હીનું આલીપુર અત્યાર સુધીના સૌથી પ્રદૂષિત વિસ્તાર તરીકે નોંધાયું છે. અહીં એર ક્વોલિટી 388 નોંધવામાં આવી છે. જ્યારે દ્વારકા સેક્ટર-8માં આજે AQI 339 નોંધાયો છે. આનંદ વિહારની હવા પણ છેલ્લા ઘણાં દિવસોથી ખરાબ છે.
દિલ્હીમાં એર ક્વોલિટી એટલી ખરાબ થઈ ગઈ છે કે GRP-1 લાગુ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવવાને કારણે દિલ્હી અને નોઈડાની હવા ઝેરી થઈ રહી છે, લોકોને માસ્ક વિના ન ફરવા ચેતવણી અપાઇ છે.