Mumbai,તા.23
ટૂંક સમયમાં ICC ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને લઈને કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. ટેસ્ટ અને વનડે ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે ICC આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ચક્રમાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ મેચની સીરિઝ યોજવાનું આયોજન કરી રહ્યું છે. આ સિવાય વનડે ક્રિકેટમાં 25 ઓવર માટે બે નવા બોલનો ઉપયોગ અને પછી બાકીની 25 ઓવર એક જ બોલથી ફેંકવામાં આવે તેવા બદલાયેલા નિયમો પર વાતચીત ચાલી રહી છે. દુબઈમાં ICCની બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં સોમવારે 21 ઓક્ટોબરે મહિલા ક્રિકેટને લઈને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.
ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન
એક અહેવાલ અનુસાર, ICCની ક્રિકેટ સમિતિને બોર્ડની બેઠકમાં ઘણાં સૂચનો મળ્યા છે. આ કારણોસર ક્રિકેટ સમિતિએ ભલામણ કરી છે કે, ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આગામી WTC ચક્રમાં વધુમાં વધુ ડે-નાઈટ ટેસ્ટ ટેસ્ટ મેચો યોજવામાં આવે અને ટેસ્ટ સીરિઝ WTC અંતર્ગત ઓછામાં ઓછી 3 મેચોની હોય.
અમુક દેશો ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહિત કરવામાં મદદગાર થતા નથી
ICCના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા જેવા દેશો મોટા ભાગે બે ટેસ્ટ મેચની સીરિઝ રમે છે. માત્ર ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ લાંબી ટેસ્ટ સીરિઝ રમે છે. જે ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ કરતું નથી. અને અંકોની વહેચણી ખૂબ જ અન્યાયી બની જાય છે. ભલામણોનો હેતુ આવી અસમાનતાને દૂર કરવાનો છે.’
ડે-નાઈટ ટેસ્ટનું આયોજન
પિંક બોલને લઈને સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ICC સમિતિનું માનવું છે કે પિંક બોલથી રમાતી ટેસ્ટ મેચોને કારણે વધુ લોકો સ્ટેડિયમમાં આવે છે. ટેસ્ટ રમતા દેશોને સામાન્ય કરતાં વધુ પિંક બોલ ટેસ્ટ મેચ રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.’
હાલમાં માત્ર ઓસ્ટ્રેલિયા દ્વારા ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. પરંતુ બે વર્ષથી ભારતમાં એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ નથી.