New Delhi, તા.6
35 વર્ષીય બેટ્સમેને 67 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ તેની વનડે કારકિર્દીની સાતમી સદી છે. આ દરમિયાન મિલરે 149.25ના સ્ટ્રાઈક રેટથી 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો. તેણે ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો.જેણે ઈંગ્લેન્ડ સામે 77 બોલમાં સદી ફટકારી હતી.
મિલરને સદી માટે છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી. તેણે શાનદાર શોટ રમ્યો અને બે રન સુધી દોડ્યો. આ સાથે તેણે પોતાની સદી પુરી કરી હતી પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. આમ છતાં તેણે પોતાની સદીની ઇનિંગ્સની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ICC ODI ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. અત્યાર સુધી રમાયેલી 11 સેમી ફાઈનલ મેચોમાં તેઓ માત્ર એક જ મેચ જીતી શક્યા છે જ્યારે નવ મેચમાં તેઓ હાર્યા છે. તે જ સમયે, એક મેચ ટાઈ થઈ છે. આ મામલામાં ન્યુઝીલેન્ડ બીજા સ્થાને છે જેણે 13માંથી 8 મેચમાં જીત મેળવી છે.
બીજી સેમીફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા આવેલી ન્યુઝીલેન્ડે રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનની સદીની ઈનિંગ્સની મદદથી 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 362 રન બનાવ્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ ઇનિંગ્સમાં આ સૌથી વધુ સ્કોર છે. જવાબમાં દક્ષિણ આફ્રિકા નિર્ધારિત ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 312 રન બનાવી શક્યું હતું. કિવિઝ તરફથી મિશેલ સેન્ટનરે ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સે બે-બે વિકેટ લીધી હતી.