Dakorમાં ૧૧ અને ૧૨ માર્ચના રોજ “Dakor Phaganotsav-2025”નું આયોજન

Share:

Dakor ,તા.૭

દર વર્ષની જેમ ડાકોર ખાતે આવેલા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પુનમ (હોળી) નિમિત્તે આ વર્ષે પણ પદયાત્રીઓ/ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવનાર છે. ત્યારે તેઓના રાત્રી રોકાણ સમયે મનોરંજન તેમજ ડાકોરના ઠાકોર એવા રણછોડરાયના ગુણગાન કરવા માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર – ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન “ડાકોર ફાગણોત્સવ – ૨૦૨૫” નામે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.૧૧ અને ૧૨ માર્ચ ૨૦૨૫ દરમ્યાન થનાર છે.

“ડાકોર ફાગણોત્સવ – ૨૦૨૫” નો બે દિવસ ચાલનારો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ ડાકોરમાં મહુધા તરફથી આવતા ગાયોના વાડા વાળા રોડ એટલે કે રાધાકુંડ રોડ, માંગલ્ય વિલા  (મુ.ડાકોર) સામે સાંજે ૦૭ઃ૦૦ કલાકે શરૂ થશે. આ કાર્યક્રમ દરમ્યાન સમગ્ર ગુજરાતના અને ખેડા જિલ્લાના ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો આવી રહ્યા છે જેઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પોતાની કલા પ્રસ્તુત કરશે.

સાથે જ, કાર્યક્રમની ખાસ ઉપસ્થિતી રૂપે ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે (તા.૧૧ માર્ચ), તથા ખ્યાતનામ લોક ગાયક ઉમેશ બારોટ (તા.૧૨ માર્ચ) પણ આ બે દિવસના કાર્યક્રમ દરમ્યાન પોતાની કલા રજૂ કરી ડાકોર ખાતે પધારેલ ભક્તજનોને ભગવાન રણછોડરાયજીની ભક્તિના રંગમાં રંગશે.

ડાકોર ફાગણી પુનમ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી તેમજ ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પદયાત્રીઓ પધારી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ભાવિક ભક્તજનો તથા ખેડા જિલ્લાના તમામ નાગરીકોને જાહેર આમંત્રણ પાઠવવામા આવે છે.

ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે ડાકોર ફાગણી પૂનમ ૨૦૨૫ મેળાના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં ફાગણી પૂનમના સંદર્ભમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  બેઠક અંતર્ગત પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ, એક્સેસ પાસ, આડબંધ, જાહેરનામા, ટ્રાફિક નિયંત્રણ, દિશા સૂચક સાઈન બોર્ડ, પાર્કિંગ, સફાઈ, શૌચાલય, સ્વચ્છ પાણી, રખડતા પશુ નિયંત્રણ, સ્ટ્રીટ લાઈટ, આપત્તિ વ્યવસ્થાપન સહિતની બાબતો પર ચર્ચા કરી તમામ સંબંધિત અધિકારી પાસેથી તેમણે કરેલી કામગીરીની માહિતી લઈ તે અંગે વધુ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

કલેકટર એ મંદિરની આસપાસની જાહેર જગ્યામાં કોમર્શિયલ યુઝ માટે સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ, તમામ વિસ્તારમાં પાણીનું ક્લોરીનેશન, સુલભ સૌચાલયની નિયમિત સફાઈ, એસ. ટી ડ્રાઇવરો સ્ટ્રેસ ફ્રી ડ્યુટી કરી શકે તેવું આયોજન, યાત્રાળુઓને હ્રદયની કોઈ તકલીફ સંદર્ભે વિશેષ આયોજન સહિતની ઝીણવટ ભરી બાબતો માટે યોગ્ય અને સત્વરે કામગીરી કરવા સૂચના આપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *