Surendranagar,તા.28
મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. જુલાઇ ૨૦૨૪માં કાર્બોસેલના ખનન સમયે ત્રણ શ્રમિકના ગેસ ગળતરથી મોત નિપજતા મુળી પોલીસ મથકે ગેરકાયદેસર ખાણ ધરાવતા ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે મૃતક શ્રમીકના પરિવારજને મુળી પોલીસ મથકે ગેરકાયદેસર ખોદકામ કરાવના ચાર શખ્સો ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા (રહે.રાયસંગપર તા.મુળી, જીલ્લા પંચાયત સદ્દસ્યના પતિ), કલ્પેશભાઈ કેસાભાઈ પરમાર (રહે.ખંપાળીયા તા.મુળી, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત), જનકભાઈ જીવણભાઈ અણીયારીયા (રહે.રાયસંગપર તા.મુળી) અને જશાભાઈ રધાભાઈ કેરાળીયા (રહે.ઉંડવી તા.થાન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
તપાસ દરમ્યાન જશાભાઈ કેરાળીયા અને જનકભાઈ અણીયારીયા વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી અને ખોદકામ કરેલ જમીન બાબતે તપાસ કરતા સરકારી જમીન હોવાનું સામે આવ્યું છે. આથી સુેરન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આ અંગે જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાનો લેખિત રિપોર્ટ સોંપ્યો હતો. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા બંને શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેહિંગ એક્ટ હેઠળ ગુનોે નોંધવાનો હુકમ કરતા બંને શખ્સો જશાભાઈ રધાભાઈ કેરાળીયા અને જનકભાઈ જીવણભાઈ અણીયાળીયા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં આવેલી સરકારી ખરાબામાં કોલસાની તંત્ર દ્વારા બુરી નાંખવામાં આવેલ ખાણ (કુવા)ને ફરીથી ચાર જેટલા શખ્સો દ્વારા શ્રમીકો પાસે ગેરકાયદેસર ખોદકામ કરાવતા ત્રણ શ્રમીકો લક્ષ્મણભાઈ સવશીભાઈ ડાભી (ઉ.વ.૩૫, રહે.સાગધ્રા, તા.મુળી), વિરમભાઈ કુકાભાઈ કેરાળીયા (ઉ.વ.૩૫, રહે.ઉંડવી, તા.થાન) અને ખોડાભાઈ વાધાભાઈ મકવાણા (ઉ.વ.૩૨, રહે.ઉંડવી, તા.થાન)ના કુવામાંથી ગેસ નીકળતા ગેસ ગળતરથી તા.૧૪ જુલાઈના રોજ મોત નીપજ્યા હતા.