New Delhi,તા.11
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું અંગત જીવન હાલના સમયમાં સમાચારોમાં છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા પછી, હાલમાં જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની ચર્ચા ઇન્ટરનેટ પર છે. આ દરમિયાન, ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટી દ્વારા લેવામાં આવેલા પગલાં તેમના વૈવાહિક જીવનમાં ખટાશ તરફ ઈશારો કરે છે.
ભારત માટે 68 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર મનીષ પાંડેએ ડિસેમ્બર 2019 માં અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર તેમની તાજેતરની પ્રવૃત્તિઓએ તેમના વૈવાહિક દરજ્જા અંગે અફવાઓને વેગ આપ્યો છે.
ઘણીવાર સાથે જોવા મળતું આ કપલ છેલ્લા ઘણા દિવસોથી કોઈ જાહેરમાં જોવા મળ્યું નથી. મનીષ પાંડે અને તેમની પત્ની આશ્રિતાએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.
આશ્રિતા વ્યવસાયે એક અભિનેત્રી છે. એટલું જ નહીં, આ કપલે ઇન્સ્ટાગ્રામ પરથી તેમના લગ્ન અને સાથે લીધેલા ફોટા પણ હટાવી દીધા છે. અત્યાર સુધી આ દંપતીએ છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આશ્રિતા શેટ્ટીએ મોટાભાગે તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે.
બીજી તરફ, મનીષ પાંડે લગભગ ચાર વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 29 વનડે અને 39 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. મનીષે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે જુલાઈ 2021માં શ્રીલંકા સામે રમી હતી. તે જ સમયે, ડિસેમ્બર 2020 માં કેનબેરામાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઝ20 મેચ પછી, તે આ ફોર્મેટમાં પાછો ફરી શક્યો નથી.