Bihar,તા.06
5 વર્ષની નોકરીમાં ગુનેગારોને હંફાવનાર એક બહાદુર આઈપીએસ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2019 બેચના આઈપીએસ ઓફિસર કામ્યા મિશ્રાએ પોતાનું રાજીનામું બિહાર હેડક્વાર્ટરને સોમવારે સોંપી દીધું છે. આઈપીએસ અધિકારી કામ્યાના રાજીનામું આપવાના નિર્ણયથી દરેક ચોંકી ગયા છે. પોલીસ સેવામાં આવા જ ઓફિસરની જરૂર હોય છે. કામ્યાને તેમના કાર્યો માટે ‘લેડી સિંઘમ’ તરીકે ઓળખવામાં આવે છે. કામ્યા બિહારના દરભંગામાં ગ્રામીણ એસપી તરીકે તૈનાત છે. કામ્યા માટે આ મોટા નિર્ણયની પાછળની હકીકત શું છે?
શરૂથી હોશિયાર રહ્યાં કામ્યા
આઈપીએસ અધિકારી કામ્યાએ 22 વર્ષની ઉંમરમાં જ પોતાની આકરી મહેનતના દમ પર દેશની પ્રતિષ્ઠિત અને મુશ્કેલ પરીક્ષાને ક્રેક કરી લીધી હતી. આ વર્ષ હતું 2019, જ્યારે કામ્યાને આઈપીએસ અધિકારી તરીકે કામ કરવાની તક મળી. આ પરીક્ષામાં તેમણે 172 રેન્ક મેળવ્યો હતો. તેમણે આ પરીક્ષામાં પહેલા પ્રયત્નમાં જ સફળતા મેળવી હતી. કાવ્યાએ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે ગ્રેજ્યુએશનમાં જ આ પરીક્ષાને આપવાનો નિર્ણય લીધો હતો અને ખૂબ જ ઓછા સમયમાં તેમાં સફળતા પણ મેળવી.
કામ્યા મિશ્રાના પતિ કોણ છે?
કામ્યા મિશ્રાના પતિ અવધેશ દીક્ષિત છે. અવધેશ દીક્ષિત 2021 બેચના આઈપીએસ અધિકારી છે. બંનેએ ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યાં હતાં. હાલ અવધેશ દીક્ષિત મુજફ્ફરપુરમાં પોતાની સેવા આપી રહ્યાં છે. તેમણે IIT બોમ્બેથી બીટેકનો અભ્યાસ પૂરો કર્યો હતો. કામ્યા ઓડિશાના રહેવાસી છે. બંને પતિ-પત્ની બિહારમાં જ સાથે કામ કરી રહ્યાં હતાં. કામ્યાએ હિમાચલ પ્રદેશ કેડરમાં પણ કામ કર્યું હતું.
હાઈ-પ્રોફાઈલ મામલે જવાબદારી નિભાવી
કામ્યા મિશ્રાને ઘણા હાઈ-પ્રોફાઈલ કેસમાં જવાબદારી સોંપવામાં આવી હતી. કામ્યા મિશ્રાને પટનાના ગાય ઘાટ કેસ અને જીતન સહની હત્યાકાંડમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે જીતન સહની હત્યા કેસને ખૂબ જ ઓછા સમયમાં ઉકેલ્યો હતો.
શા માટે રાજીનામું આપ્યું?
કામ્યાએ રાજીનામાનું કારણ પારિવારિક ગણાવ્યુ છે. તેમણે જણાવ્યું કે તેઓ પોતાના પિતાની એકમાત્ર દિકરી છે. પિતાનો બિઝનેસ મોટો છે. તે બિઝનેસને સંભાળવા માટે કોઈ નથી. દરમિયાન તેમણે આ જવાબદારી પોતે જ નિભાવવી પડશે. તેમણે કહ્યું કે યુપીએસસીની પરીક્ષાને પાસ કરવા માટે ખૂબ મહેનત કરી હતી. તેઓ નોકરીને છોડવા ઈચ્છતાં નહોતા પરંતુ પારિવારિક કારણસર તેમણે આ નોકરી છોડવી પડશે.