Ahmedabad,,તા.૪
આંબાવાડી વિસ્તારમાં રહેતા પિતા નિલેશ જોશીએ પોતાના પુત્ર સ્વયમ્ની હત્યા કરીને મૃતદેહના છ ટુકડા કરી નાંખ્યા હતા. જે બાદ તેને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંક્યા હતા. વર્ષ ૨૦૨૨ના અમદાવાદના આ કેસે ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે, સગા પુત્રની નિર્મમ અને બર્બરતાપૂર્ણ હત્યા કરનારા પિતાને હાઇકોર્ટમાંથી રાહત મળી છે, પિતા નિલેશ જોશીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ આદેશમાં એવું મર્મસ્પર્શી અવલોકન કર્યું છે કે,‘પુત્રના ટુકડા કરી બર્બરતાપૂર્ણ હત્યા કરી હોવાનો આ ભયાનક કેસ છે. પ્રથમ દૃષ્ટિએ પિતાએ ‘સંપૂર્ણ નિરાશા’માં કરેલું કૃત્ય જણાય છે. તેથી અરજદાર પિતાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવે છે.
કોર્ટમાં જસ્ટિસ મેંગડેએ જણાવ્યુ છે કે,‘અરજદાર અને એનો પુત્ર અમદાવાદમાં રહેતો હતો અને કુટુંબના અન્ય સભ્યો વિદેશમાં સ્થાયી થયા હતા. પુત્ર ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી ગયો હતો. તે બેરોજગાર હતો અને હંમેશાં પિતા પાસેથી રૂપિયાની ઉઘરાણી કર્યા કરતો હતો. પાડોશીએ પણ નિવેદન આપ્યું છે કે, તેમના ઘરમાંથી અવારનવાર ઝઘડાનો અવાજ આવતો હતો. પુત્રની કુટેવો અને કંકાસથી પિતા કંટાળી ગયા હતા. પિતાનું કૃત્ય પ્રથમ દ્રષ્ટિએ સંપૂર્ણ નિરાશામાં ભરેલું કૃત્ય જણાય છે. અરજદાર પિતાની માનસિકતા ગુનાઈત નથી. નિરાશામાં તેમણે હત્યા કરી હતી. જે તમામ બાબતોને ધ્યાનમાં લેતાં અરજદારની અરજી ગ્રાહ્ય રાખી જામીન મંજૂર કરવામાં આવે છે.’
મહત્વનું છે કે, આરોપી નિલેશ જોશી ૬૫ વર્ષીય નિવૃત સરકારી કર્મચારી હતા. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. આરોપીના પત્ની અને દીકરી જર્મની રહે છે. જ્યારે આરોપી તેમના ૨૧ વર્ષના પુત્ર સ્વયમ સાથે રહેતા હતા. ૧૮ જુલાઈ, ૨૦૨૨ના રોજ આરોપી પિતા નિલેશ જોશીએ પુત્ર સ્વયમ જોશીની હત્યા કરી નાંખી હતી. પિતાએ લાશનો નિકાલ કરવા માટે શરીરના ટુકડા કરીને પોલિથીન બેગમાં ભરી અલગ-અલગ વિસ્તારની કચરા પેટીમાં ફેક્યા હતા. પિતાએ ઈલેક્ટ્રીક કટર વડે ધડ, હાથ અને પગનાં ટુકડા કર્યા હતા. આરોપી પિતા હત્યા કર્યા બાદ નાહીધોઈને ભગવાન પાસે માફી માંગવા માટે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે પણ ગયા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ પરત ઘરે આવ્યા હતા. તેઓએ બપોર બાદ શરીરનો એક ટુકડો વાસણા વિસ્તારમાં અને બીજો પાલડી વિસ્તારમાં ફેંક્યો હતો.