New Delhi, તા. 23
કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર ભયાનક આતંકવાદી હુમલાને દુનિયાભરના દેશોના નેતાઓએ વખોડયો છે અને ત્રાસવાદ સામેની લડાઇમાં ભારતની પડખે જ હોવાનું જાહેર કર્યુ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન વડા પુટીન સહિતના નેતાઓએ હુમલાની આકરી ટીકા કરી હતી અને ઘેરો શોક દર્શાવ્યો હતો.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાને અત્યંત કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો અને ભારતને મજબુત સમર્થન આપવાનું જાહેર કર્યુ હતું. ત્રાસવાદ સામે અમેરિકા કાયમ ભારતની પડખે રહેશે.
હુમલામાં ભોગ બનેલા લોકો પ્રત્યે તેઓએ સંવેદના દર્શાવી હતી. વડાપ્રધાન મોદી સાથે વાતચીત પણ કરી હતી. ભારતના જ પ્રવાસે રહેલા ઉપપ્રમુખ જે.ડી.વેન્સે પણ ત્રાસવાદી હુમલાને અત્યંત આઘાતજનક ગણાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રાસવાદી હુમલાના પગલે સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે પડતો મુકીને પરત આવી ગયા હતા. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાને પણ ત્રાસવાદી હુમલાની કડક નિંદા કરીને આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ગમે તે પ્રકારનો ટેકો આપવા તૈયાર હોવાનું જાહેર કર્યુ હતું.
રશિયન વડા પુટીને ત્રાસવાદી હુમલાને અત્યંત નિંદનીય ગણાવીને ન્યાય મેળવવાનો સુર વ્યકત કર્યો હતો. હુમલાના સુત્રોચ્ચાર અને આ કૃત્ય આચરનારને કડકમાં કડક સજા આપવાની જરૂરીયાત દર્શાવી હતી.
ઇટાલીના વડાપ્રધાન મેલોની, બ્રિટનના વડાપ્રધાન સ્ટારમર, ઇઝરાયલ વડાપ્રધાન ઉપરાંત ઇરાન, શ્રીલંકા, ફ્રાન્સ, જર્મની, યુક્રેન સહિતના દેશોના નેતાઓએ હુમલાની નિંદા કરીને ભારતને સંપૂર્ણ સહકાર આપવાનું જાહેર કર્યુ હતું.