Washington,તા.7
અમેરિકન કોંગ્રેસના સભ્ય બ્રેડન ગિલે અમેરિકામાં પાટીદાર સમુદાયની વોલીબોલ મેચને ‘જાતીવાદી’ કહેતા વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે કરેલી પોસ્ટની અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સે ભારે ટીકા કરી છે અને તેમન પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
આ વિવાદ ગુજરાતી મૂળના આંત્રપ્રિન્યોર ડાયલન પટેલે એક્સ પર ડલાસમાં યોજાયેલી લેઉઆ પાટીદાર સમાજ વોલીબોલ ટુર્નામેન્ટ અગે કરેલી પોસ્ટ બાદ શરૂ થયો હતો. તેમાં જણાવાયું હતું કે, અમેરિકામાં રહેતા 40,000 જેટલા પાટીદારોમાંથી લગભગ 8,000 લોકો આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ઘણા મોટેલ અને ગેસ સ્ટેશનના માલિક છે.
ટેક્સસના રિપબ્લિકન કોંગ્રેસમેન અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ગિલએ પોસ્ટની ટીકા કરતા એવો તર્ક આપ્યો હતો કે, અમેરિકાએ ફોરેન ક્લાસ અલીજન્સીસ (બીજા દેશોમાં ચાલતી વર્ગ વ્યવસ્થા)ને મંજૂરી ન આપવી જોઈએ. તેમણે લખ્યું હતું કે, અમેરિકા અવસરોની ભૂમિ છે, કારણ કે અહીં જાતિ વ્યવસ્થા નથી.
તેમનું કહેવું હતું કે, ફોરેન કાસ્ટ એલીજન્સીસને ઈમ્પોર્ટ કરીને અમેરિકાની સમૃદ્ધિ અને સ્વતંત્રતાને ટકાવી શકાશે નહીં. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, સંસ્કૃતિને આત્મસાત કર્યા વિનાનું ઈમિગ્રેશન રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આત્મહત્યા છે. તેમની આ ટીપ્પણીનો અમેરિકામાં રહેતા ભારતીયો અને સ્કોલર્સએ ભારે વિરોધ કર્યો છે અને તેમના પર જાતિ શબ્દની ખોટી વ્યાખ્યા કરવાનો અને ભારત વિરોધી પૂર્વગ્રહને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.
ઘણા લોકોએ જણાવ્યું કે, પાટીદાર સમુદાય પારંપરિક અર્થમાં એક જાતિ નથી પરંતુ એક સામાજિક અને સાંસ્કૃતિ સમૂહ છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુહાગ શુક્લાએ પણ ગિલની ટીપ્પણીઓની ટીકા કરતા કહ્યું કે, તેઓ હિંદુ વિરોધી ભાવનાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, જાતિ શબ્દનો દુરુપયોગ એ પ્રકારની ભારત વિરોધી અને હિંદુ વિરોધી નફરતને ભડકાવી રહ્યો છે, જેના કારણે થોડા દિવસ પહેલા હિંસા થઈ હતી.