Patna,તા.31
બિહારમાં અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ‘પલાયન રોકો, નૌકરી દો યાત્રા’માં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ હતી. અહીં કેટલાક કાર્યકર્તાઓ કન્હૈયા કુમાર પાસે સેલ્ફી લેવા તેમની નજીક ગયા હતા.
આ દરમિયાન તેમના સુરક્ષા કર્મીઓએ અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક કાર્યકર્તાને ધક્કો લાગતા મામલો બિચક્યો હતો. તેથી સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થયાનું પણ કહેવાય છે. બીજી તરફ કોંગ્રેસે પણ રેલીમાંથી નીકળી જવા મુદ્દે કન્હૈયા કુમારનો બચાવ કર્યો છે.
પાર્ટીના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની યાત્રા એસએસબી પરિસર પાસે પહોંચી, ત્યારે કેટલાક કાર્યકર્તાઓ સેલ્ફી લેવા માટે એક-બીજાને ધક્કા મારી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે કુમારે અધવચ્ચે જ યાત્રા છોડીને જતું રહેવું પડ્યું હતું.
ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.પશ્ચિમ બંગાળ જિલ્લાના ભિતિહરવા આશ્રમથી 16મી માર્ચે કોંગ્રેસની યાત્રા શરૂ થઈ હતી. આ તે જ જગ્યા છે, ત્યાં મહાત્મા ગાંધીએ 1917માં પ્રસિદ્ધ ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. કોંગ્રેસની આ યાત્રાના 15માં દિવસે કુમાર અરરિયા પહોંચ્યા હતા.