New Delhi,તા.5
દિલ્હી-એનસીઆર સહીત દેશભરનાં અનેક રાજયોમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલી ગયો છે.થોડા દિવસો પહેલા ફેબ્રુઆરીમાં ગરમીનો પારો વધી રહ્યો હતો તેના બદલે માર્ચમાં બર્ફીલી હવાઓ ફરીથી ઠંડી વધારી રહી છે. દિલ્હી, યુપી,બિહાર, મધ્યપ્રદેશ, હરીયાણા, પંજાબ, ઉતરાખંડ, હિમાચલ અને કાશ્મીરમાં ગરમીનો પારો ગગડવાથી ઠંડી વધી રહી છે.
રાજધાની દિલ્હીમાં મંગળવારથી જ ભારે પવન અને રાત્રે બર્ફીલી હવાઓના કારણે તાપમાન ઘટી ગયુ છે અને મોર્નીંગ વોકમાં નીકળેલા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો.
બીજી બાજુ કાશ્મીરનાં અનેક ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે.જયારે ખીણનાં અનેક ભાગોમાં વરસાદ થયો છે. બારામુલાના કેટલાંક વિસ્તારોની સાથે સાથે ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ વગેરે ઉંચા વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. શ્રીનગર સહીતનાં ખીણમાં વ્યાપક વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત દિલ્હી સહીત યુપી.બિહાર, હરીયાણા, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, હિમાચલમાં ઠંડી પ્રસરી છે. જયારે રાજસ્થાનમાં આગામી બે દિવસમાં અધિકતમ અને ન્યુનતમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરાઈ છે બિહારમાં ભારે પવનથી ફરીથી હવામાન બદલ્યુ છે.
સવારથી ઠંડી હવા ચાલી રહી છે અને તાપમાન ગગડયુ છે. યુપીમાં પણ અનેક જીલ્લામાં ભારે પવનથી લોકોને ફરી ગરમ કપડા પહેરવા મજબુર કર્યા છે.