Ahmedabad,તા.4
કોલ્ડડ્રીંકસ ક્ષેત્રની જાણીતી કંપની કોકાકોલાએ ઉતર ગુજરાત સ્થિત પ્લાંટ અંદાજીત રૂા.2000 કરોડની કિંમતમાં વેચી નાખ્યો છે. મિલ્કત ઘટાડવાની સ્ટ્રેટેજી તથા બોટલીંગ બિઝનેશ ઘટાડવાનાં ભાગરૂપે આ વેચાણ કરવામાં આવ્યું છે. જોકે, કરાર લાગુ થવામાં હજુ સરકારની મંજુરી બાકી છે.
કોકોકાલા ઉતર ગુજરાતમાં બોટલીંગ પ્લાંટ ધરાવે છે. કંપનીએ પોતાના ચાર સ્વતંત્ર બોટલર્સ ફ્રેન્ચાઈઝી પૈકી કંધારી ગ્લોબલ બ્રેવરીઝને અંદાજીત 2000 કરોડમાં આ પ્લાટ વેંચી નાખ્યો હોવાનો નિર્દેશ છે. જાણકારોના કહેવા પ્રમાણે ભારતીય કાયદા-નિયમો સ્થાનિક ભાગીદારોને ટ્રાન્સફર કરવાની રણનીતિના ભાગરૂપે પણ આ ડીલ થઈ હોવાની શકયતા છે.
ઉતર ગુજરાતમાં કોકાકોલાનાં પ્લાન્ટની માલીકી હિન્દૂસ્તાન કોકાકોલા બ્રિવરીઝની છે.કંપનીએ તાજેતરમાં 40 ટકા હિસ્સો ડોમીનોઝ પીઝા ફેઈમ જયુબીલન્ટ ગ્રુપને 12500 કરોડમાં વેંચ્યો હતો.
હિન્દુસ્તાન કોકાકોલાનાં હવે 15 ઉત્પાદન પ્લાંટમાં હિસ્સો હવે ઘટીને 40 ટકા થઈ જશે. બાકીનો 10 ફ્રેન્ચાઈઝી ભાગીદારો પાસે રહેશે. કોકાકોલાનાં પ્રવકતાએ ડીલને સમર્થન આપ્યુ હતું. પરંતુ વધુ વિગતો જાહેર કરી ન હતી.
એટલાન્ટામાં હેડ કવાર્ટસ ધરાવતી કંપનીએ વૈશ્ર્વિક હિસાબી રીપોર્ટમાં ગત મહિને એમ દર્શાવ્યુ હતું કે ભારતીય ક્ષેત્રમાં બોટલીંગ ઓપરેશનના વેંચાણથી 2024 માં 303 મીલીયન ડોલરની આવક થઈ હતી. ગત વર્ષે કંપનીએ રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ તથા પૂર્વોતરનાં બોટલીંગ ઓપરેશન પણ વેચી નાખ્યા હતા.