Madhya Pradesh,તા.10
ગઈકાલે રવિવારે રાત્રે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે જીત મેળવી હતી. ભારતની જીત બાદ મધ્ય પ્રદેશમાં ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા.
આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતા. આ ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. મહુમાં થયેલા હોબાળા બાદ પોલીસ એક્શન મોડમાં છે. આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ ચાહકો ઈન્દોરના મહુ વિસ્તારમાં રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન તેમની રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી હતી. લોકો જામા મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા.
આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને બાજુથી પથ્થરમારામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ છે.
મહુમાં થયેલી આ હિંસા અંગે માહિતી આપતાં ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે, ’પથ્થરમારા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.’
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ’આ વિસ્તારમાં ઉજવણી દરમિયાન બે પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો અને આગચંપી થઈ હતી.’