America,તા,11
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને તેઓ ત્યાંથી પણ ભાજપ અને મોદી સરકાર પર આક્રમક પ્રહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચીને લદાખમાં એક દિલ્હી જેટલી જમીન પચાવી પાડી છે ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ અને મોદી સરકારે તેનું કંઇ જ બગાડી શકી નથી. વડાપ્રધાન મોદી આ મામલાને સારી રીતે હેન્ડલ જ નથી કરી શક્યા.
પ્રેસ મીટમાં રાહુલ ગાંધીના મોટા પ્રહાર
વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનના સૈનિકોએ લદાખમાં એક દિલ્હી જેટલી જમીન પચાવી પાડી છે. મને લાગે છે કે આ એક આફત જ છે. મીડિયા તેના વિશે લખતું નથી. જો કોઈ પાડોશી દેશ અમેરિકાની 4000 ચો.કિ.મી. જેટલી જમીન પર કબજો કરી લે તો અમેરિકા શું કરશે? શું કોઈ રાષ્ટ્રપતિ એવું કહીને બચી જશે કે અમે આ સ્થિતિને સારી રીતે સંભાળી છે? એટલા માટે જ મને નથી લાગતું કે નરેન્દ્ર મોદીએ ચીનને સારી રીતે હેન્ડલ કર્યો છે. મને એવું કોઈ કારણ દેખાતું નથી કે ચીનના સૈનિકો અમારા ક્ષેત્રમાં કેમ બેઠા છે? આ એક આફત જ છે.
ચીને ભારતનો ક્ષેત્ર છીનવી લીધો
ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં આ પ્રકારનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર લદાખમાં ભારત ચીન સરહદની સ્થિતિ અંગે જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ફરી કહ્યું હતું કે ચીને ભારતનો ક્ષેત્ર છીનવી લીધો છે અને તેના પર કબજો જમાવી લીધો છે.
રાહુલ ગાંધીએ પાકિસ્તાન વિશે શું કહ્યું?
પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો પર રાહુલે કહ્યું કે, “પાકિસ્તાન દ્વારા આપણા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાથી બંને દેશો પાછળ ધકેલાઈ રહ્યા છે. પાકિસ્તાન આપણા પર પાછળથી હુમલો કરી રહ્યું છે અને અમે સ્વીકારીશું નહીં કે પાકિસ્તાન આપણા દેશ પર આ રીતે હુમલો કરતું રહે.” જ્યાં સુધી પાકિસ્તાન આમ કરતું રહેશે ત્યાં સુધી બંને દેશો વચ્ચેની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે.
બાંગ્લાદેશ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો
બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બાંગ્લાદેશના લોકો સાથે અમારો લાંબા સમયથી સંબંધ છે. મારી દાદી બાંગ્લાદેશના નિર્માણમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. મને લાગે છે કે બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વોને લઈને ભારતમાં ચિંતાઓ છે. જો કે, મને વિશ્વાસ છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ સ્થિર થશે અને અમે વર્તમાન સરકાર અથવા તેના પછી આવનારી કોઈપણ સરકાર સાથે સંબંધ બનાવવામાં સક્ષમ થઈશું.”