Madhavpur (Ghed), તા. 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. દ્વારકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના રુકમણીજી સાથેનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો તેની સ્મૃતિ ઉત્સવરૂપે દર વર્ષે રામનવમીથી આ મેળો ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2018થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે યોજાતા આ માધવપુર મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
તેમણે આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મંદિર પરિસરમાં રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને એક તરફ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે.
તેમણે ઉમેર્યું કે માધવપુરનો મેળો એ માત્ર ધાર્મિકોત્સવ જ નહિં, પરંતુ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પરના પ્રેમનું જીવંત પ્રતિક છે. માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે.
તેમણે ગાંધી જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુર આખોય વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરીઝમ બની રહ્યો છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, મણીપુર, અરૂણાચલપ્રદેશ વગેરેના કલાકારોએ કરેલી પ્રસ્તુતિ અને ગુજરાતના કલાકારોની કલા પ્રસ્તુતિના સમન્વયેને બિરદાવ્યો હતો.
કેન્દ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ઘેડ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ અને ભરતીપૂરની ગંભીર સમસ્યા નિવારવા માટે સરકારે બજેટમાં રૂપિયા 75 કરોડ જોગવાઈ કરી છે અને રાજ્ય સરકાર આ કામગીરી જલ્દીથી શરૂ કરશે એવો મને વિશ્વાસ છે એમ ડો માંડવીયા એ ઉમેર્યું હતું.
પોરબંદર-ઘેડ વિસ્તારમાં વધતા પ્રવાસનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહી છે. આ વર્ષના બજેટમાં પણ પોરબંદર એરપોર્ટના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.
આ મેળાના પ્રારંભ અવસરે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજી ભાઇ કરગઠીયા, દેવા ભાઇ માલમ,મુખ્ય સચિવ પંકજ જોષી, યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્ર સચિવ એમ. થેન્નારસન, પ્રવાસન અગ્ર સચિવ ડો. રાજેન્દ્ર કુમાર તેમજ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કલેકટર એસ . ડી. ધાનાણી , એસ.પી ભગીરથ સિંહ જાડેજા, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પુર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી,અને જિલ્લા-શહેરના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.