અયુક્ત(અસંયમી) પુરૂષની બુદ્ધિ એક નિશ્ચયવાળી શા માટે થતી નથી? તેનું કારણ બતાવતાં ભગવાન ગીતા(૨/૬૭)માં કહે છે કે..
ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોડનુવિધિયતે
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ
પોતપોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય જે મનને પોતાનો અનુગામી બનાવી લે છે તે એકલું મન જળમાં નૌકાને વાયુ હરી લે છે તેમ એની બુદ્ધિને હરી લે છે.મનુષ્યને આ જન્મ ફક્ત પરમાત્માની પ્રાપ્તિના માટે જ મળ્યો છે.આથી મારે તો ફક્ત પરમાત્મા પ્રાપ્તિ જ કરી છે.ભલે ગમે તે થઇ જાય-એવું પોતાનું ધ્યેય દ્રઢ હોવું જોઇએ.ધ્યેય દ્રઢ બનવાથી સાધકની અહંતામાંથી ભોગોનું મહત્વ ચાલ્યું જાય છે.મહત્વ ચાલ્યું જવાથી વ્યવસાયાત્મિકા બુદ્ધિ દ્રઢ બની જાય છે.
જ્યારે સાધક કાર્યક્ષેત્રમાં બધી જાતનો વ્યવહાર કરે છે ત્યારે ઇન્દ્રિયોની સામે પોતપોતાના વિષયો આવી જ જાય છે.તેઓમાંથી જે ઇન્દ્રિયનો પોતાના વિષયમાં રાગ થઇ જાય છે તે ઇન્દ્રિય મનને પોતાનું અનુગામી બનાવી લે છે,મનને પોતાની સાથે લઇ લે છે.આથી મન તે વિષયનો સુખભોગ લેવામાં લાગી જાય છે એટલે કે મનમાં સુખબુદ્ધિ અને ભોગબુદ્ધિ પેદા થઇ જાય છે,મનમાં તે વિષયનો રંગ જામી જાય છે, તેનું મહત્વ જામી જાય છે.જેવી રીતે ભોજન કરતી વખતે કોઇ પદાર્થનો સ્વાદ આવે તો જીભ તેમાં આસક્ત થઇ જાય છે.આસક્ત થવાથી જીભ મનને ખેંચી લે છે તો મન એ સ્વાદમાં પ્રસન્ન થઇ જાય છે.
જ્યારે મનમાં વિષયનું મહત્વ ઠસી જાય છે ત્યારે તે એકલું મન જ સાધકની બુદ્ધિને હરી લે છે.આ બુદ્ધિને કેવી રીતે હરી લેવામાં આવે છે તેને દ્રષ્ટાંતરૂપે સમજાવે છે કે પાણીમાં ચાલતી નૌકાને જેવી રીતે વાયુ હરી લે છે તેવી જ રીતે મન બુદ્ધિને હરી લે છે એટલે કે તેને સંસારની તરફ લઇ જાય છે પરંતુ જેનાં મન અને ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિને મન વિચલિત કરતું નથી,ઉલ્ટાનું પરમાત્માની પાસે પહોંચાડવામાં સહાય કરે છે.ઇન્દ્રિયો મનનું હરણ કરે છે અને મન બુદ્ધિનું હરણ કરે છે જેમાં ઇન્દ્રિયો નહી પરંતુ મન જ મુખ્ય છે કારણ કે જ્યાં સુધી કોઇ ઇન્દ્રિયની સાથે મન રહેતું નથી ત્યાં સુધી તે ઇન્દ્રિયને પોતાના વિષયનું જ્ઞાન પણ થતું નથી.
ભગવાનનાં ઉદાહરણ પણ એટલા સટીક હોય કે બીજો અર્થ જ ન મળે.જળમાં નાવને વાયુ ખેંચી જાય તેવી રીતે વિચરણશીલ એટલે કે ચંચળ ઈન્દ્રિયો માણસની બુદ્ધિને પણ ચંચળ બનાવે છે.ઈન્દ્રિયો તોફાની છે તેથી તેને અટકાવીશું તો અટકશે નહિ,ગતિ નિયંત્રણ કરી શકાય છે.આ માટે તેને ઉત્કૃષ્ટ વિષયમાં કેન્દ્રિત કરવી જોઈએ.ભગવાનને વિષય બનાવીએ અને તેમાં જ મનને પરોવીએ તો સંભવ છે કે અભ્યાસ કરતા-કરતા એક સ્થિતિ એવી આવે કે જ્યારે ભગવાનમાં જ મન આસક્ત રહે અને તેનાં લીધે યત્ર તત્ર સર્વત્ર ભગવાન જ દેખાય,ઈશ્વરમય બની જવાય અને આ જ છેલ્લી પગથી છે ભગવાન સાથે એકરૂપતા લાવવાની.નવધાભક્તિમાં કીધેલા અલગ-અલગ પગથીયામાં શ્રવણભક્તિથી શરૂ કરીને આત્મ નિવેદન સુધી જવા માટે ભગવાનમાં મન ચીંટકવું તે જ પ્રાથમિક અવસ્થા છે.ત્યાંથી શરૂ કરીને ભગવાનમાં ભળવું આ જ સાધ્ય છે.આમ મન-બુદ્ધિ ચંચળ છે તેથી તેને નિયંત્રિત કરવી જોઈએ,તે માટે ભગવાનમાં તેને પરોવીએ તો વિકારો નબળા પડે અને વિચરણશીલ મન સ્થિર થાય.
જે યુક્ત(સંયમી) છે તેની સ્થિતિનું વર્ણન કરતાં ભગવાન ગીતા(૨/૬૮)માં કહે છે કે..
તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા
જે પુરૂષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વપ્રકારે વશમાં છે એની જ બુદ્ધિ સ્થિર છે.જે ઇન્દ્રિયોના ભોગોને બેફામ થઇ ભોગવે છે તેની પ્રજ્ઞા સ્થિર હોતી નથી.જેના મન અને ઇન્દ્રિયોમાં સંસારનું આકર્ષણ નથી રહ્યું તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે.સંસારની સાથે વ્યવહાર કરતી વખતે અથવા એકાંતમાં ચિંતન કરતી વખતે..કોઇપણ અવસ્થામાં તેની ઇન્દ્રિયો ભોગોમાં કે વિષયોમાં પ્રવૃત થતી નથી. વ્યવહારકાળમાં ગમે તેટલા વિષયો તેના સંપર્કમાં ભલે આવે પણ તે વિષયો તેને વિચલિત કરી શકતા નથી કારણ કે તેના મનમાં વિષયોનું મહત્વ રહ્યું નથી.ઇન્દ્રિયો વિષયોથી પુરેપુરી રીતે વશમાં કરેલી છે એટલે કે વિષયોમાં તેનું લેશમાત્ર પણ રાગ-આસક્તિ કે ખેંચાણ રહ્યું નથી.સાધકે દ્રઢતાથી એ નિશ્ચય કરી લેવો જોઇએ કે મારૂં લક્ષ્ય ભોગો ભોગવવાનું અને સંગ્રહ કરવાનું નહી પરંતુ પરમાત્માની પ્રાપ્તિ કરવાનું છે.જો આવી સાવધાની નિરંતર જળવાઇ રહે તો તેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે.
મહાબાહો એટલે લાંબા હાથવાળા.સામુદ્રિક લક્ષણોમાં લાંબા હાથ મહાપુરૂષનું લક્ષણ છે.ટૂંકા અંગો હીન પુરૂષનાં સામુદ્રીક લક્ષણો કહેવાય છે.પરાક્રમ કરવામાં જેના હાથ લાંબા હોય,જે દૂર દૂર સુધી પ્રવૃત્તિઓ કરી શકતા હોય તે મહાબાહો કહેવાય છે.
સંયમ એટલે ઈન્દ્રિયનિગ્રહ નહિ પણ વિષયનિગ્રહ.વિષયોને હલકા ઠરાવીશું તો જીવન જીવી શકાશે નહિ અને વિષયમાં જ આસક્ત રહીશું તો જીવનમાં અસ્થિરતા-કઠોરતા અને અપરિપક્વતા આવશે.જે વાત ચંચળ હોય તેનાં પર કાબૂ કરવો જોઈએ.મન,મધમાખી,વરસાદ,સ્ત્રી,કામદેવ,પવન,લક્ષ્મી,અભિમાન,વાનર અને માછલી આ ચંચળ હોય છે.અહી સૌથી પહેલો નંબર મનનો આવ્યો છે.મન ચંચળ છે તેથી વિષય તરફ તે ખેંચાય છે કારણ કે તે તેનો સ્વભાવ છે આ માટે વિષયમય પણ રહેવાનું નહિ અને અલિપ્ત પણ રહેવાનું નહિ આવી રીતની ટેવ મનને પાડવી જોઈએ અને તે માટે આપણા ઋષિઓએ આપણને કુટુંબ સંસ્થા આપી છે.અમુક સમુહમાં રહીને,તેની રીતિ-પદ્ધતિને અનુસરીને,સમાજનાં બંધનો સ્વીકારીને ભગવાનને ગમતા થવાનું છે.જે વ્યક્તિ સંસારમાં જ આસક્ત છે તે નુકશાનકારક છે તેથી ધીમે ધીમે વિકારો છોડતા જવાના છે.સદગુણો લાવતા જવાના અને વ્યવહાર કરતો જવાનો છે.સામાન્ય રીતે વિષયો માણસને રમાડે છે.આપણી રોજબરોજની ક્રિયા આ વિષય માટે જ થાય છે અને તેમાં જ આપણું જીવન ખલાસ થઈ જાય છે.કેટલી મિલકત-કેવો દેખાવ અને કેટલી પ્રસિદ્ધિ..આ માટે માણસ રીતસરનાં વલખા મારે છે.આ બધી વાતો જરૂરી છે જ પણ ભગવાનના દરબારમાં તેની કેટલી કિંમત અંકાશે? તેનો વિચાર કરવો જોઈએ.જેણે આ વિષયો છોડ્યા નહિ પણ ગૌણ ગણ્યા અને જીવન ભગવાન માટે વાપર્યુ તે સ્થિતપ્રજ્ઞ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)