તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા
કર્મયોગી સાધકે તમામ ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પરાયણ થઇને બેસવું કેમકે જે સાધકની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર છે.
જે બળપૂર્વક મનનું હરણ કરવાવાળી ઇન્દ્રિયો છે તે બધીને વશમાં કરીને મારા પરાયણ થઇ જવું. જ્યારે સાધક ઇન્દ્રિયોને વશમાં કરે છે ત્યારે તેનામાં પોતાના બળનું અભિમાન રહે છે કે મેં ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી છે.આ અભિમાન સાધકને ઉન્નત થવા દેતું નથી અને તેને ભગવાનથી વિમુખ બનાવી દે છે.માનવ શરીર મળવું,સાધનામાં રૂચિ થવી વગેરે ભગવાનની કૃપા ઉપર નિર્ભર છે.ભગવાન જ મારા છે અને હું ભગવાનનો છું.સંસાર મારો નથી,હું સંસારનો નથી કારણ કે ભગવાન જ નિરંતર મારી સાથે રહે છે. ભગવાનમાં તલ્લીન થયા વિના ઇન્દ્રિયોનું વશમાં થવું મુશ્કેલ છે.એક જ ઉપાય છે-શરણાગતભાવપૂર્વકની ભક્તિ.આને મત્પરઃ કહેવાય છે.પરમેશ્વર જ મારૂં પરમતત્વ છે તેવી દ્રઢ ધારણા.આવો સાધક જ બધી ઇન્દ્રિયોનો સંયમ કરી શકે છે.અહી સંયમનો અર્થ અભોગ નહી પરંતુ યોગ્ય ભોગ એમ સમજવાનું છે.ઇશ્વર પરાયણ જીવન જીવનારા સાધકને પણ ઇન્દ્રિયોના આવેગો તો ઉઠતા હોય છે પણ તે પચાવી શકાય તેટલા હોય છે.જો તેનું યોગ્ય આયોજન કર્યું હોય તો તે આવેગો ઔષઘ કે પ્રસાદ થઇ શકે છે-આ ઋષિમાર્ગ છે.ભગવાનને પરાયણ થવાથી તો ઇન્દ્રિયો વશમાં થઇને રસબુદ્ધિ નિવૃત્ત થઇ જ જશે પરંતુ ભગવદપરાયણ નહી થવાથી શું થાય છે? એ સમજાવતાં ભગવાન ગીતા(૨/૬૨-૬૩)માં કહે છે કે..
ધ્યાયતો વિષયાન્પુંસઃ સંડ્ગસ્તેષૂપજાયતે
સંગ્ડાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોડભિજાયતે..૬૨
ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ
સ્મૃતિભ્રંશાદ્બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ..૬૩
વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયમાં આસક્તિ જન્મે છે.આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે.કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ આવે છે.ક્રોધથી મૂઢતા(મોહ) આવે છે.મૂઢતાથી સ્મૃતિ ભ્રષ્ટ થઇ જાય છે.સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ(વિવેક) નાશ પામે છે.બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે.(ગીતાઃ૨/૬૨-૬૩)
ભગવાનને પરાયણ નહી થવાથી,ભગવાનનું ચિંતન નહી થવાથી વિષયોનું જ ચિંતન થાય છે કારણ કે જીવની એક તરફ પરમાત્મા છે અને બીજી તરફ સંસાર છે.જ્યારે તે પરમાત્માનો આશ્રય છોડી દે છે ત્યારે તે સંસારનો આશ્રય લઇને સંસારનું જ ચિંતન કરે છે કારણ કે સંસાર સિવાય ચિંતનનો કોઇ બીજો વિષય રહેતો જ નથી.વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને(ભોગોને) પ્રાપ્ત કરવાની કામના પેદા થઇ જાય છે કે તે ભોગો-વસ્તુઓ મને મળે..કામનાને અનુકૂળ પદાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઇ જાય છે અને કામનાપૂર્તિની સંભાવના થઇ રહી હોય પરંતુ તેમાં કોઇ વિઘ્ન નાખે તો તેના ઉપર ક્રોધ આવી જાય છે.ક્રોધથી સંમોહ થાય છે એટલે કે મૂઢતા છવાઇ જાય છે.વાસ્તવમાં જોવામાં આવે તો કામ-ક્રોધ-લોભ અને મમતા-આ ચારેયથી સંમોહ થાય છે.
કામથી જે સંમોહ થાય છે તેમાં વિવેકશક્તિ ઢંકાઇ જવાથી મનુષ્ય કામને વશીભૂત થઇને નહી કરવા યોગ્ય કાર્ય પણ કરી બેસે છે.. ક્રોધથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્ય પોતાના મિત્રો તથા પૂજ્યજનોને પણ ઉલ્ટી-સીધી વાતો કહી બેસે છે અને નહી કરવા યોગ્ય વર્તાવ પણ કરી બેસે છે..લોભથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્યને સત્ય-અસત્ય,ધર્મ-અધર્મ વગેરેનો વિચાર રહેતો નથી અને તે કપટ કરીને લોકોને ઠગી લે છે..મમતાથી જે સંમોહ થાય છે તેમાં સમભાવ રહેતો નથી,ઉલ્ટાનો પક્ષપાત પેદા થઇ જાય છે.
મૂઢતા છવાઇ જવાથી સ્મૃતિ નષ્ટ થઇ જાય છે એટલે કે શાસ્ત્રોથી અને સદવિચારોથી જે નિશ્ચય કરવામાં આવ્યો હતો કે આપણે તો આવું કામ કરવું છે,આવું સાધન કરવું છે,પોતાનો ઉદ્ધાર કરવો છે—તેની સ્મૃતિ નષ્ટ થઇ જાય છે,તેની યાદ રહેતી નથી..સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિમાં પ્રગટ થવાવાળો વિવેક લુપ્ત થઇ જાય છે એટલે કે મનુષ્યમાં નવો વિચાર કરવાની શક્તિ રહેતી નથી..વિવેક લુપ્ત થઇ જવાથી મનુષ્ય પોતાની સ્થિતિથી નીચે પડી જાય છે,તેથી આ પતનથી બચવા માટે બધા જ સાધકોએ ભગવાનને પરાયણ થવાની ઘણી મોટી આવશ્યકતા છે.
અહી વિષયોનું માત્ર ચિંતન કરવાથી રાગ,રાગથી કામ,કામથી ક્રોધ,ક્રોધથી સંમોહ,સંમોહથી સ્મૃતિનાશ સ્મૃતિનાશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી પતન-આ જે ક્રમ બતાવ્યો છે તેનું વિવેચન કરવામાં તો સમય લાગે છે પરંતુ આ બધી વૃત્તિઓ પેદા થવામાં અને તેનાથી મનુષ્યનું પતન થવામાં સમય લાગતો નથી. વીજળીના પ્રવાહની જેમ આ તમામ વૃત્તિઓ તત્કાળ પેદા થઇને મનુષ્યનું પતન કરાવી દે છે.વિષય ચિંતનથી શરૂ થયેલી આ સીડી સ્વ-વિનાશ કે પતન સુધી પહોંચે છે.
વિષય ચિંતન કુદરતી સહજ છે.બધા વિષયોમાં સૌથી પ્રબળ વિષય કામાચાર વિષય છે.ઉંમરલાયક થતાં જ છોકરા-છોકરીઓમાં આવું ચિંતન શરૂ થઇ જાય છે.શારીરિક પરિવર્તન,તેના મનના વિચારો-ચિંતનને પણ પ્રભાવિત કરતું હોય છે.વિષય ભોગવવાના સુખ જેવું જ વિષયચિંતનનું પણ સુખ હોય છે તેથી વ્યક્તિ તેને જલ્દી છોડી શકતી નથી.ત્યારે શું વિષયોનું તદ્દન ચિંતન જ નહી કરવાનું? આ શક્ય છે ખરૂં?
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)