સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચાલે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૭૧)માં કહે છે કે
વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ
નિર્મમો નિરહંકાર સ શાંતિમધિગચ્છતિ
જે મનુષ્ય તમામ કામનાઓને છોડીને સ્પૃહા વિનાનો થઇને મમતા વિનાનો અને અહંકાર વિનાનો થઇને વિચરે છે તે જ શાંતિને પ્રાપ્ત થાય છે.
અપ્રાપ્ત વસ્તુની ઇચ્છાને કામના કહે છે.સ્થિતપ્રજ્ઞ મહાપુરૂષ તમામ કામનાઓનો ત્યાગ કરી દે છે. કામનાઓનો ત્યાગ કરી દીધા છતાં પણ શરીર નિર્વાહમાત્રના માટે સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ પદાર્થ વગેરેની જે આવશ્યકતા દેખાય છે એટલે કે જીવનનિર્વાહના માટે પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુ વગેરેની જે જરૂર જણાય છે તેને સ્પૃહા કહે છે.સ્થિતપ્રજ્ઞ પુરૂષ આ સ્પૃહાનો પણ ત્યાગ કરી દે છે કારણ કે જેના માટે શરીર મળ્યું છે અને જેની આવશ્યકતા હતી તે તત્વની પ્રાપ્તિ થઇ ગઇ,તે આવશ્યકતા પુરી થઇ ગઇ.હવે શરીર રહે કે ના રહે,શરીરનિર્વાહ થાય કે ના થાય-તે બાબતમાં બે પરવાહ રહે આ જ તેનું નિઃસ્પૃહ થવું છે.
સ્થિતપ્રજ્ઞ મહાપુરૂષ મમતાનો સર્વથા ત્યાગ કરી દે છે.મનુષ્ય જે વસ્તુઓને પોતાની માને છે તે વાસ્તવમાં પોતાની નથી પરંતુ સંસાર દ્વારા મળેલ છે,મળેલી વસ્તુને પોતાની માનવી એ ભૂલ છે.આ ભૂઇ દૂર થતાં સ્થિતપ્રજ્ઞ મમતા રહિત બની જાય છે.આ શરીર હું જ છું-આવી જાતનું શરીર સાથે તાદાત્મય માનવું એ અહંકાર છે.સ્થિતપ્રજ્ઞમાં આ અહંકાર હોતો નથી.સ્થિતપ્રજ્ઞ શાંતિને પ્રાપ્ત થાય છે.કામના સ્પૃહા મમતા અને અહંતાથી રહિત થવાથી શાંતિ પ્રાપ્ત થાય છે-એવી વાત નથી પરંતુ શાંતિ તો મનુષ્યમાત્રમાં સ્વતઃસિદ્ધ છે.
કર્મયોગની દ્રષ્ટિએ અહંતા-મમતાથી રહિત થવાનો ઉપાય એ છે કે મારૂં કંઇ જ નથી કેમકે મારો કોઇ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના અવસ્થા વગેરે ઉપર સ્વતંત્ર અધિકાર નથી.જ્યારે મારૂં કશું નથી તો મારે કશું જોઇતું નથી કારણ કે જો શરીર મારૂં હોય તો મારે અન્ન-જળ,વસ્ત્ર વગેરેની આવશ્યકતા રહે પણ જ્યારે શરીર જ મારૂં નથી તો મારે કશાની જરા પણ આવશ્યકતા નથી.જેને હું અને મારૂં કહે છે તે બધુ પ્રભુનું જ છે કારણ કે મારી કહેવાતી વસ્તુ ઉપર મારો સહેજપણ અધિકાર નથી પરંતુ પ્રભુનો તેના ઉપર પુરો અધિકાર છે અને બધુ ભગવાનનું જ છે એને પ્રભુની સેવામાં જ વાપરવાનું છે-આવો ભાવ થતાં ભક્તિયોગી અહંતા-મમતાથી રહિત બની જાય છે.અહંકારનો ત્યાગ થવાથી બધાનો ત્યાગ થઇ જાય છે.
અભિલાષા એટલે મનને ગમતું મેળવવાની કામના.કામના એટલે તીવ્ર ઈચ્છા.જેને પુરી કરવા માટે માણસ બધી જ હદો વટાવી લે.કામાતુરાણાં ન ભયં ન લજ્જા.જેમ શરીરનું કામ છે તેવી રીતનું મનનું પણ કામ છે, બુદ્ધિનું પણ કામ છે.મનનું કામ એટલે અતૃપ્ત આવેગો અને બુદ્ધિનું કામ એટલે પશુતા.આ બંને વાતો પણ જેણે છોડી દીધી છે.મનથી જેણે ઈન્દ્રિયો જીતી અને બુદ્ધિથી જેણે સમજણ કેળવી તે સ્થિતપ્રજ્ઞ. અહંકારરહિત અને સ્પૃહારહિત વિચરે તે શાંતિ મેળવે છે.આજે કોને અહંકાર નથી? પદ-પ્રતિષ્ઠા કે પાવરનો કેફ માણસને ચડે તે જ અહંકાર છે પણ અહંકારનો કેફ ન ચડે તેને જ શાંતિ મળે.અહંકાર કોઈનામાં ભેળવી દઈએ તો તે પરેશાન કરતો નથી.આમ જે વ્યક્તિ ઈન્દ્રિયોને તાબે ન થતા તેને હળવી કરીને જીતેન્દ્રીય બને છે તે સ્થિતપ્રજ્ઞ છે અને આવા લોકો અહંકાર અને અભિલાષાને પ્રભુ સાથે જોડીને બુદ્ધિથી સ્થિર થયેલો હોય છે.
કામના મમતા સ્પૃહા અને અહંતાથી રહિત થવાથી તેની કેવી સ્થિતિ થાય છે તેનું વર્ણન કરતાં ભગવાન ગીતા(૨/૭૨)માં કહે છે કે
એષાં બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ
સ્થિત્વાડસ્યામન્તકાલેડપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ
આ બાહ્મી સ્થિતિ છે.આને પામીને યોગી ક્યારેય મોહિત થતા નથી.આ બાહ્મી સ્થિતિમાં જો અંતકાળે પણ કોઇ સાધક સ્થિત થઇ જાય તો તેને નિર્વાણ (શાંત) બ્રહ્મની પ્રાપ્તિ થઇ જાય છે.
આ બાહ્મી સ્થિતિ છે એટલે કે બ્રહ્મને પ્રાપ્ત થયેલા મનુષ્યની સ્થિતિ છે.અહંકારરહિત થવાથી જ્યારે વ્યક્તિત્વ દૂર થઇ જાય છે ત્યારે તેની સ્થિતિ આપોઆપ જ બ્રહ્મમાં થાય છે કારણ કે સંસારની સાથે સબંધ રાખવાથી જ વ્યક્તિત્વ હતું,એ સબંધને સર્વથા છોડી દેવાથી યોગીની પોતાની કોઇ વ્યક્તિગત સ્થિતિ રહેતી નથી.જ્યાં સુધી શરીરમાં અહંકાર રહે છે ત્યાં સુધી મોહિત થવાની સંભાવના રહે છે પરંતુ જ્યારે અહંકારનો અભાવ થવાથી બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ થઇ જાય છે ત્યારે વ્યક્તિત્વ તૂટવાના કારણે પછી ક્યારેય મોહિત થવાની સંભાવના રહેતી નથી.સત્ અને અસતને બરાબર નહી જાણવું એ જ મોહ છે. પોતે સત્ હોવાછતાં પણ અસતની સાથે પોતાની એકતા માનતા રહેવું એ જ મોહ છે.જ્યારે સાધક અસત્ ને બરાબર જાણી લે છે અને સત્ માં પોતાની વાસ્તવિક સ્થિતિનો અનુભવ થઇ જાય પછી ક્યારેય મોહ થતો નથી.આ મનુષ્ય શરીર ફક્ત પરમાત્માની પ્રાપ્તિના માટે જ મળ્યું છે એટલા માટે ભગવાન તક આપે છે કે સાધારણથી સાધારણ અને પાપીથી પાપી વ્યક્તિ કેમ ના હોય પણ જો તે અંતકાળમાં પણ પોતાની સ્થિતિ પરમાત્મામાં કરી લે એટલે કે જડતાથી પોતાનો સબંધ વિચ્છેદ કરી લે તો તેને પણ નિર્વાણ(શાંત) બ્રહ્મની પ્રાપ્તિ થઇ જશે,તે જન્મ-મરણથી મુક્ત થઇ જશે.નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિમાં જડતાનો રાગ જ બાધક છે.
હવે એક શંકા થાય કે જે અનુભવ આખી જીંદગી થયો નથી તે અંતકાળમાં કેવી રીતે થશે? એટલે કે સ્વસ્થ અવસ્થામાં તો સાધકની બુદ્ધિ સ્વસ્થ હશે,એનામાં વિચારશક્તિ હશે અને સાવધાની હશે તો તે બ્રાહ્મી સ્થિતિનો અનુભવ કરી લેશે પરંતુ અંતકાળમાં પ્રાણ નીકળતી વખતે બુદ્ધિ અસમર્થ બની જાય છે અને સાવધાની રહેતી નથી-એવી અવસ્થામાં બ્રાહ્મી સ્થિતિનો અનુભવ કેવી રીતે થશે? આનું સમાધાન એ છે કે મૃત્યુ સમયે જ્યારે પ્રાણ નીકળે છે ત્યારે તેનો શરીર વગેરેથી આપોઆપ જ સબંધ વિચ્છદ થઇ જાય છે.જડ અને ચેતન-એ બે પદાર્થો છે.પ્રાણી માત્રનું સ્વરૂપ ચેતન છે પરંતુ તેને જડનો સંગ કરેલ છે.જડની તરફ આકર્ષણ થવું એટલે પતન તરફ જવું અને ચિન્મય તત્વની તરફ આકર્ષણ થવું એટલે ઉત્થાન તરફ જવું અને પોતાનું કલ્યાણ કરવું.જડની તરફ જવામાં મોહની પ્રધાનતા હોય છે અને પરમાત્માતત્વની તરફ જવામાં વિવેકની પ્રધાનતા હોય છે.
શ્ર્લોક-૫૩થી શરૂ કરીને ભગવાને સ્થિતપ્રજ્ઞ કેવો હોય તેનું વર્ણન કર્યુ છે.આ શ્ર્લોક બધા ગુણોનું પરીણામ છે.જીવનમાં હળવે હળવે વ્યક્તિ માનસિક-બૌધિક અને આધ્યાત્મિક સ્થિરતા લાવતો જાય અને છેલ્લે બ્રાહ્મી સ્થિતિ પર પહોંચે છે.બ્રાહ્મી એટલે બુદ્ધિપ્રજ્ઞા મેઘાકારિત્વ બુદ્ધિ-પ્રજ્ઞા અને મેધાથી મેળવેલી એટલી ઉચ્ચ સ્થિતિ કે જેના સુધી પહોંચીએ એટલે ભગવાન આપણને ખોળામાં બેસાડવા આતુર બને.મને મળવા માટે ભગવાનને ગલગલીયા થાય,આ સ્ટેજ એટલે બ્રાહ્મી સ્થિતિ.બ્રાહ્મીસ્થિતિ એટલે બુદ્ધિની પરીપક્વતાની અને મનની પવિત્રતાની ટોચ.સંસારમાં મોહ રહેતો નથી તેનો અર્થ સંસાર છોડીને જતો રહેતો નથી પણ વ્યક્તિ સંસારને ગૌણ ગણતો રહે છે.
મોહ ઉભો થાય એટલે હેતુ ભુલાય જાય.આપણે એક ક્ષણ માટે પણ જો ધ્યેયચ્યૂત થઈએ તો આધ્યાત્મિક વિકાસની મુસાફરીમાં મોડું થઈ જાય,તેની એકાત્મતા તુટી જાય અને આળસ ઉભી થાય તેથી ભગવાને કહ્યું કે છેલ્લી ઘડીએ પણ જે સ્થિતપ્રજ્ઞ છે.લોકો એવો અર્થ કરે કે મરણ વખતની ઘડીમાં માણસે મન સ્થિર રાખવું જોઈએ પણ જેણે એક મિનિટ પણ મન સ્થિર રાખવા માટે સતત અભ્યાસ કર્યો નહિ હોય તેને અંતે ક્યાંથી યાદ આવે ! તેથી અંતકાલ એટલે પરિણામનો સમય,અંતકાલ એટલે શાંતિનો સમય, અંતકાલ એટલે મોહથી દુર રહ્યાનો સમય,અંતકાલ એટલે સંયમ રાખ્યાનો સમય,અંતકાલ એટલે એક પરિસ્થિતિના અંતનો સમય.આ વખતે માણસે પરિણામની ઉત્સુકતા કે હારના ડરથી વ્યાકૂળ થવાનાં બદલે મેધાવાન એટલે કે પૂર્ણ બુદ્ધિયુક્ત રહીને મન પર શાસન કરવું જોઈએ.
નિર્વાણ એટલે મોક્ષ અને બ્રહ્મનિર્વાણ એટલે બ્રહ્મમાં ભળવું.આ બંનેમાં તાત્વિક ફરક છે.આ સ્થિતિએ પહોંચવાથી મુક્તિ મળે છે.આપણી સંસ્કૃતિ સમર્પણની સંસ્કૃતિ છે.લગ્ન પછી પત્નિ પતિમાં ભળી જાય છે, આ આપણી પરંપરા છે.મુક્ત થવું શ્રેષ્ઠ છે પણ ભગવાન સાથે ભળી જવું આ ઉત્કષ્ટ છે અને આ સ્થિતિ એટલે બ્રહ્મનિર્વાણ.મુક્ત થયા પછી મારૂં પણ અસ્તિત્વ છે અને ભગવાનનું પણ અસ્તિત્વ છે.આમ બંને અલગ-અલગ અસ્તિત્વ સ્વતંત્ર છે,જ્યારે ભળી ગયાં પછી મારૂં અસ્તિત્વ છે પણ ભગવાન સાથે છે.બંનેમાં મુક્તિ છે પણ એકમાં ભગવાનથી અલગ અસ્તિત્વ છે અને એકમાં ભળી ગયેલું અસ્તિત્વ છે તેને જ કહેવાય એકાત્મતા.સ્થિતપ્રજ્ઞ એ ધીમે ધીમે ભગવાનમાં ભળવાની પ્રક્રિયા છે.કામનાઓ છોડવાની શરૂઆત કરીએ અને ભગવાનમાં પોતાનું અસ્તિત્વ ભેળવીએ તે મારી બુદ્ધિ-પ્રજ્ઞ-મેધાની ટોચ છે.આ જીવનમાં મારા વિકારો તો ભગવાનમાં ભેળવવાનાં જ,તેમ ગુણો પણ ભેળવવાનાં,આ જેણે ભગવાનમાં એકરૂપ કર્યા તે સ્થિતપ્રજ્ઞ. આ અઘરુ છે પણ અધ્યાત્મના રસ્તા પર આપણે પરિણામની ઉતાવળ નથી,આ જન્મે અથવા આવતા જન્મોમાં ભલેને પહોંચીએ પણ શરૂઆત આજથી અને અત્યારથી જ કરવી જોઈએ.ભગવાન આ માટે આપણને બુદ્ધિ-વૃત્તિ અને શક્તિ આપે તે જ પ્રાર્થના..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)