Dubai તા.10
ચેમ્પીયન્સ ટ્રોફીનાં ફાઈનલમાં કિવીઝ સામે ભારતની જીતને પગલે અનેક નવા રેકોર્ડ સર્જાયા હતા. ટુર્નામેન્ટમાં પણ વિક્રમોની વણજાર થઈ હોવાથી સમગ્ર ટુર્નામેન્ટ યાદગાર અને નવા ચિમાચિન્હરૂપ સમાન બની હતી.
રોહિત-વિરાટ 9માં ફાઈનલ
ભારત ચેમ્પીયન બન્યુ હોવાથી ટીમ ઈન્ડીયા માટે ટુર્નામેન્ટ યાદગાર બની છે રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારતીય કપ્તાન રોહિત શર્મા તથા વિરાટ કોહલીએ આઈસીસી ઈવેન્ટમાં ફાઈનલ રમવાનો વિક્રમ બનાવ્યો છે.
બન્નેના નામે ચાર ચાર જીત પણ છે. બન્ને 9 ફાઈનલ મેચ રમ્યા હતા. તેમના સિવાય યુવરાજસિંહ તથા રવિન્દ્ર જાડેજા 8-8 મેચ રમ્યા છે. શ્રીલંકાનાં માહેલા જયવર્દને તથા કુમાર સાંગાકારા 7-7 ફાઈનલ મેચ રમ્યા છે.
140 સિકસનો રેકોર્ડ
સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન બેટરોએ કુલ 140 છગ્ગા લગાવ્યા હતા. જે અત્યાર સુધીની સ્પર્ધામાં સૌથી વધુ સિકસરનો રેકોર્ડ છે
8 વખત સ્કોર 300 ને પાર
ચેમ્પીયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટ દરમ્યાન 8 વખત ઈનીંગ્સમાં 300 થી વધુનો સ્કોર થયો હતો તે પણ અત્યાર સુધીનાં ઈતિહાસમાં સર્વાધિક છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ઈગ્લેન્ડ, દ.આફ્રિકા તથા અફઘાનીસ્તાન આ લીસ્ટમાં સામેલ છે.
એક જ મેચમાં 707 રન
એક જ મેચમાં સર્વાધિક 707 રનનો રેકોર્ડ પણ ટુર્નામેન્ટમાં બન્યો હતો. 22 ફેબ્રુઆરીનાં મેચમાં ઈંગ્લેન્ડે 351 રન બનાવ્યા હતા તે સાથે ઓસ્ટ્રેલીયાએ 356 રન બનાવીને જીત મેળવી હતી.
સદીનો વરસાદ
ચેમ્પીયન્સ ટ્રોફી 2025 માં સૌથી વધુ સદીનો પણ રેકોર્ડ બન્યો હતો. કુલ 14 સદી લાગી હતી જે અત્યાર સુધીનો વિક્રમ છે. રચીન રવિન્દ્રે બે સદી ફટકારી હતી. તે પણ સર્વાધિક છે. આ પૂર્વે 2002 તથા 2017 માં ટુર્નામેન્ટ દરમ્યાન 10-10 સદી લાગી હતી.
રોહિતની કેપ્ટનશિપમાં સતત બીજી વખત વિશ્વવિજેતા
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે સળંગ બીજી આઈસીસી ટુર્નામેન્ટમાં જીત મેળવી છે. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા પુર્વે ગત જુનમાં ભારતે ટી20 વર્લ્ડકપમાં જીત મેળવી હતી. ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જતી છે. આ પુર્વે 2013માં ધોનીના નેતૃત્વમાં વન-ડેમાં વિશ્વવિજેતા બન્યુ હતું. 2002માં ભારત-શ્રીલંકા સંયુક્ત વિજેતા બન્યા હતા.
સર્વોચ્ચ સ્કોર
ટુર્નામેન્ટમાં એક ઈનિંગમાં 362 રનનો સર્વોચ્ચ સ્કોર બન્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેના બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે 6 વિકેટે 362 રન બનાવ્યા હતા જે ટુર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ મેચમાં રચીન તથા વિલીયમ્સન બન્નેએ સદી ફટકારી છે.