New Delhi,તા.17
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય જળવાયુ પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય કાર્યક્રમએ ઠંડા પીણાં અંગે ચેતવણી જારી કરી છે અને લોકોને ગરમીમાં ચા અને કોફી ટાળવાની અપીલ કરી છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે ગરમીના મોજા અંગે ચેતવણી જારી કરી છે.
ઓડિશા અને ઝારખંડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પણ ગરમ પવન ફૂંકવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ ઉપરાંત, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને, NPCCHH એ રાજ્યોને જણાવ્યું છે કે, લોકોને બપોરે 12 થી 3 વાગ્યા સુધી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળવા માટે જાગૃત કરવા જોઈએ.
આ સાથે, તેમને ચા, કોફી અને ઠંડા પીણાં પીવાથી થતા નુકસાન વિશે પણ જણાવવું જોઈએ જેથી તેમને શરીરમાં પાણી ઓછું થવાની સમસ્યાનો સામનો ન કરવો પડે.
NPCCHH ના વરિષ્ઠ અધિકારી ડો. આકાશે જણાવ્યું હતું કે, ડિહાઇડ્રેશન શરીરની ક્ષમતાને મર્યાદિત કરી શકે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. મોટાભાગના લોકો જાણતા નથી કે ઠંડા પીણાં જે તેમને ઠંડા રાખવાનો દાવો કરે છે તે પણ ખૂબ જોખમી હોઈ શકે છે.
આ જ કારણ છે કે લોકોમાં જાગૃતિ લાવવાની અને તેમને તેમના રોજિંદા જીવન સાથે સંબંધિત નાની-નાની બાબતો વિશે જાગૃત કરવાની જરૂર છે. દિલ્હી સ્થિત મેક્સ હોસ્પિટલના સિનિયર ડોક્ટર વિવેક કુમારના મતે ગરમીના મોજા દરમિયાન કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ ટાળો. તેને પીવાથી ઝડપથી પરસેવો થાય છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ વધે છે. તેના બદલે સાદું પાણી પીવો.