Surat,તા.12
સુરત પાલિકાના સરથાણા બી ઝોનની એક રહેણાંક સોસાયટીમાં સિમેન્ટ રેડી મિક્સ પ્લાન્ટ સામે લોકોના વિરોધ બાદ આ પ્રકારનો વિરોધ રાંદેર ઝોનના પાલનપોર વિસ્તારમાં બહાર આવ્યો છે. સરથાણાની જેમ પાલનપોર વિસ્તારના લોકો પણ આ પ્લાન્ટથી કંટાળી ગયા છે. પાલનપોર મેટ્રોના સિમેન્ટ પ્લાન્ટમાંથી ઉડતી સિમેન્ટ સ્થાનિકોના આરોગ્ય માટે જોખમી બની ગયો છે. સ્થાનિકોની અનેક ફરિયાદ બાદ કોઈ પગલાં ભરાયા નથી, લોકોના ઘરમાં ખાંસીની બીમારી ઘુસી, પાલિકા કામગીરી નથી કરતી તો લોકોએ ઘર છોડવા ? એવો પ્રશ્ન ભાજપના માજી કોર્પોરેટરે પાલિકાને પૂછ્યો છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર ગૌરવ પથ પર મેટ્રો માટેનો સિમેન્ટનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. આ પ્લાન્ટ રહેણાંક વિસ્તારની આસપાસ હોય તેમાંથી ઉડતી સિમેન્ટ અને ધૂળ લોકોના આરોગ્ય માટે ખતરો બની રહી છે. આ ઉપરાંત આ પ્લાન્ટમાં આવતા મોટા વાહનો પણ લોકો માટે જોખમી બની રહ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામા આવતી ન હોય લોકો માટે આ પ્લાન્ટ આફતરૂપ બની ગયો છે. લોકોની ફરિયાદ બાદ પણ નિરાકરણ ન આવતા માજી કોર્પોરેટર ઉષા પટેલે મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ કરી છે.માજી કોર્પોરેટરે ફોટા અને વિડીયો સાથે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, પાલનપુર ફાયર સ્ટેશનની સામે મેટ્રોનો પ્રોજેક્ટ ચાલે છે જેમાં સિમેન્ટની ડમરીઓ ઊડીને સામે રહેતા પાલનપુર ગામના નિવાસીઓના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ એક એક ઘરમાં ખાંસીની બીમારી છે તો શું રહેવાસીએ પોતાના ઘર છોડી દેવા જોઈએ ? આ અંગે તપાસ કરાવી કાર્યવાહી કરીને લોકોને આ સમસ્યાથી છુટકારો મેળવવા અરજી કરી છે. વધુમાં જણાવાયું છે કે, મેટ્રોનો પ્રોજેક્ટ ચાલે છે જેમા સિમેન્ટ પ્લાન્ટમાંથી સિમેન્ટ ઉડે છે જેને લીધે આજુ-બાજુના ઘરમાં સિમેન્ટ ઉડીને આવે છે જેને લીધે દરેક ઘરમાં ખાંસીના કેસો છે તેનાથી લોકોને છૂટકારો મળવો જોઈએ.