ભારતની જીત બાદ Ahmedabad માં મોડી રાત સુધી ઉજવણી

Share:

Ahmedabad,તા.10

ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતતા ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરોમાં 7 વિકેટે 251 રન કર્યા હતા. ભારતે 6 વિકેટે 254 રન 49 ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડી ફાઇનલ મેચ જીતી હતી.

જીત બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ક્રિકેટરોએ મેદાનમાં તો ક્રિકેટ રસિયાઓએ રસ્તાઓ પર આવીને ઉજવણી કરી હતી. અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સિંધુ ભવન રોડ પર લોકો કારમાં પોતાના બાળકો સાથે હાથમાં ઝંડાઓ લઈને જીતની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. મણિનગરમાં પણ રસ્તો બ્લોક થઈ ગયો હતો. લોકોએ રસ્તા પર હાથમાં તીરંગા સાથે ઈન્ડિયા ઈન્ડિયાની ચિચિયારીઓ પાડી હતી.

અમદાવાદ જ નહીં ગુજરાતનાં બીજા શહેરોમાં પણ લોકોએ ભારતની જીતની ખૂબ ઉજવણી કરી હતી. વડોદરા, સુરત, રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં લોકોએ ઘરોમાંથી બહાર નીકળીને ઉજવણી કરી હતી. કેટલાક લોકોએ મનગમતા ભોજનનો આસ્વાદ માણ્યો હતો તો કેટલાક લોકો વાહનો લઈને ડ્રાઈવ પર નીકળી ગયા હતા. જમ્મુ, ઈન્દોર અને મુંબઈના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન રોહિત શર્માએ 83 બોલમાં 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ઓપનિંગમાં આવીને આક્રમક 76 રનની ઈનિંગ રમી હતી તો બોલિંગમાં કુલદિપ યાદવે રચીન રવીન્દ્ર (37) વિલિયમસનની (11)ની કિંમતી વિકેટ ઝડપી હતી. વરૂણ ચક્રવર્તીની બે અને જાડેજાની 10 ઓવરોમાં 30 રન જ આપીને એક વિકેટ સાથેની બોલિંગનું પણ આ વિજયમાં મહત્વનું યોગદાન રહ્યું હતું. સિનિયર ફાસ્ટર શમી ખર્ચાળ સાબીત થયો હતો અને તેણે નવ ઓવરોમાં 74 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *