Canada,તા.16
સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયેલા 50 હજાર જેટલા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સનો કોઈ અતોપતો નથી અને તેમાંના મોટાભાગના ઈન્ડિયન્સન છે. આ સ્ટૂડન્ટ્સને આમ તો કેનેડા લેન્ડ થયા બાદ જે-તે કોલેજ, યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું હતું પરંતુ ભણવાના બહાને કેનેડા ગયેલા આ લોકોએ કોલેજોમાં પગ જ નથી મૂક્યો.
કેનેડિયન અખબાર ગ્લોબ એન્ડ મેલના રિપોર્ટ અનુસાર 2024ની સ્થિતિએ કેનેડામાં જેટલા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હતાં તેમાંથી 6.9 ટકા જેટલા લોકો ખરેખર તો ભણવા માટે કેનેડા આવ્યા જ નહોતા અને હાલ આ લોકો ગાયબ છે.
જે 50 હજાર જેટલા સ્ટૂડન્ટ્સ ભણવાના નામે કેનેડા પહોંચીને ગુમ થઈ ગયા હતા તે તમામે 2024ના સ્પ્રિંગ ઈનટેકમાં કે પછી તે પહેલા એડમિશન લીધું હતું અને તેમને કેનેડાનાં વિઝા પણ મળી ગયા હતા.
કેનેડાના ઈમિગ્રેશન લો અનુસાર ફોરેન સ્ટૂડન્ટ્સને એડમિશન આપતી દેશની તમામ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સે સ્ટૂડન્ટ્સ ભણવા માટે રેગ્યુલરલી આવે છે કે નહીં તેનો ડેટા IRCC સાથે વર્ષમાં બે વાર શેર કરવાનો હોય છે.
આ નિયમ 2014માં અમલમાં આવ્યો હતો, જેનો હેતુ બોગસ સ્ટૂડન્ટ્સ અને તેમને એડમિશન આપતી સંસ્થાઓને આઈડેન્ટિફાઈ કરવાનો હતો પરંતુ એડમિશન અને વિઝા મેળવ્યા બાદ જે સ્ટૂડન્ટ્સ કોલેજમાં ડોકાયા જ નથી તેમનું શું કરવું તે પ્રશ્નનું કેનેડા પાસે કદાચ કોઈ સમાધાન નથી.
માર્ચ અને એપ્રિલ 2024ના ડેટા અનુસાર કેનેડાએ 144 દેશોનાં સ્ટૂડન્ટ્સને વિઝા આપ્યા હતા, જેમાં ઈન્ડિયા સહિતના જે ટોપ ટેન દેશોનો સમાવેશ થતો હતો તેમના જ સૌથી વધુ સ્ટૂડન્ટ્સ હાલ ગાયબ છે અને તેમાંય ઈન્ડિયન સ્ટૂડન્ટ્સની સંખ્યા સૌથી વધારે એટલે કે 20 હજાર જેટલી થાય છે.
હજુ ડિસેમ્બર 2024માં જ ED દ્વારા ભૂતિયા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સને એડમિશન આપનારી કેનેડાની કેટલીક કોલેજિસ અને ઈન્ડિયાની બે સંસ્થા સામે તપાસ શરૂ થઈ હતી. આ કાંડમાં સામેલ ભૂતિયા સ્ટૂડન્ટ્સ અને સંસ્થાઓની મિલીભગતથી કેનેડાના વિઝા લેનારા મોટાભાગના ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ બોર્ડર ક્રોસ કરી ઈલીગલી અમેરિકા પહોંચી ગયા હોવાની પણ આશંકા છે.