Gujarat,તા.01
ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ગણાતી રોકાણકાર છેતરપીંડીની બી ઝેડ પોન્ઝી સ્કીમના માલીક-સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયા બાદ નવા નવા ધડાકા થઈ રહ્યા છે અને રૂા.450 કરોડની મનાતી આ સ્કીમ રૂા.6000 કરોડ જેવી જંગી રકમની હોવાનું બહાર આવવાની સાથે તેમાં આઈપીએલ રમતા કેટલાક ક્રિકેટરોએ પણ રોકાણ કર્યાનું જાહેર થતા રાજયની સીઆઈડી ક્રાઈમે કરેલી તપાસમાં ચાર ક્રિકેટરોના નામ ખુલ્યા છે.
હવે તેઓને પણ પુછપરછ માટે સમન્સ મોકલાશે. સીઆઈડી ક્રાઈમના સૂત્રોના જણાવ્યા મુજબ જે ચાર ક્રિકેટરોએ ભુપેન્દ્ર ઝાલાની સ્કીમમાં નાણા રોકયા છે તેમાં ગુજરાત ટાઈટન્સ વતી રમેલા મોહિત શર્મા, રાહુલ ટિવેટીયા, સાઈ સુદર્શન અને ટીમ ઈન્ડીયામાં પણ હાલ સામે શુભમન ગીલનો સમાવેશ થાય છે.
ભુપેન્દ્ર ઝાલાની પુછપરછમાં આ ચારના નામ બહાર આવ્યા છે અને ઝાલાએ સ્વીકાર્યુ કે આ ક્રિકેટરોના નાણા તેણે પરત કર્યા નથી. સીઆઈડી અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલે રૂા.1.95 કરોડ રોકયા છે જયારે અન્ય ત્રણ ક્રિકેટરોએ નાની રકમનું રોકાણ કર્યુ છે. હવે આ તમામ ચાર ક્રિકેટરોને પુછપરછ માટે બોલાવાશે.
બીજી તરફ હવે ભુપેન્દ્ર ઝાલાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ સમન્સ મોકલ્યા છે. રૂશિક મહેતા પણ સાબરકાંઠાના રહેવાસી છે અને જો તેની પણ સંડોવણી પુરવાર થશે તો તેની સામે પણ ધરપકડ સહિતના પગલા લેવાશે.
આ ઉપરાંત અધિકારીઓની એક ટીમ બેન્ક ખાતાઓના વ્યવહારો તપાસી રહી છે અને જે કેટલાક બેનામી ખાતા છે તેનું પણ પગેરૂ મળ્યુ છે જેની પણ તપાસ થઈ રહી છે. જો કે પોલીસ કહે છે કે સમગ્ર કૌભાંડ રૂા.450 કરોડનું જ છે. તેના હિસાબોમાં રૂા.52 કરોડનું જ રોકાણ મળ્યુ છે.
છતા આગળની તપાસમાં તે વધી શકે છે. ઝાલાને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ થઈ છે. બન્ને વચ્ચે લાંબા સમયથી સંબંધો છે અને તેનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાનો દાવો થઈ રહ્યો છે.