New Delhi,તા.01
2047માં વિકસીત ભારતની યાત્રામાં હવે મહત્વપુર્ણ પડાવ વચ્ચે આજે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજુ કરેલા કેન્દ્રીય બજેટમાં દેશના એક વિશાળ વર્ગની ખરીદશક્તિ વધારવા માટેના બુસ્ટર ડોઝ જાહેર કર્યા છે.
ખાસ કરીને વિશાળ મધ્યમવર્ગના ખીસ્સામાં નાણા રહે તે નિશ્ચિત કર્યુ કે, મોદી 3.0 સરકારનુ આ પ્રથમ પુર્ણ બજેટ એક તરફ બદલાયેલા વૈશ્વિક પરિબળો અને ઘરઆંગણે ધીમા પડેલા અર્થતંત્રના પડકારો ઉપાડી લેવાની દેશની ક્ષમતા નિશ્ચિત કરી છે.
ગઈકાલે સંસદમાં જે આર્થિક સર્વે રજુ થયો તેમાં વિકાસદર 6.5 થી 6.8% રહેશે તેવો અંદાજ સાથે અર્થતંત્ર સામેના પડકારોની હારમાળા રજૂ થઈ હતી અને બજેટમાં લોકો માટે કોઈ કરબોજ વધે નહી અને વિકાસની ગતિ જળવાઈ રહે તે નિશ્ચિત કર્યુ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંસદના શિયાળુ સત્રના પ્રારંભે જ આ દેવી લક્ષ્મીની કૃપા સૌના પર વરસે તેવી પ્રાર્થના કરી હતી તે સૂચક છે અને નાણામંત્રીએ ખોબો ભરીને નાણા આમ આદમીના ખિસ્સામાં ઠાલવ્યા છે.
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે સફેદ અને બોર્ડર પર ડિઝાઈનવાળી સાડી પહેરીને બજેટ રજુ કરવા માટે સવારે નવ વાગ્યે સંસદભવનના નાણા મંત્રાલય પહોંચ્યા હતા.
બાદમાં તેમના સાથી નાણા રાજયમંત્રી પંકજ ચૌધરી તથા નાણા સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ બજેટ રજુ કરવા મંજુરી માંગી હતી અને સીધા સંસદભવનના કેન્દ્રીય કેબીનેટ રૂમ પહોંચ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટમાં બજેટને મંજુરી અપાયા બાદ સવારે 11ના ટકોરે લોકસભા- નિર્મલા સીતારામને આઠમું બજેટ રજુ કર્યુ હતું. જેમાં 2047ના રોડ મેપમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વધારવા ઉપરાંત સોશ્યલ એન્જીનીયરીંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે
તો વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટા રેલવે નેટવર્કને હવે વંદેભારતથી પણ આગળ વધારીને બુલેટ યુગમાં લઈ જવા માટે જંગી ફાળવણી સાથે વિશ્વમાં વધતા તનાવમાં સૈન્યને વધુ આધુનિક અને લડાયક બનાવવા અને આધુનિકરણ માટે પણ સંરક્ષણ બજેટ વધારાયુ છે.