અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને દેશના લોકતાંત્રિક મૂલ્યો અને આદર્શો માટે જોખમી ગણાવતા અમેરિકાની નાનીથી લઈને મોટી કોમ્યુનિટીના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ૨૫૦ વર્ષ અગાઉ એપ્રિલ ૧૯, ૧૭૭૫ના રોજ લેક્સિંગટન અને કોન્કોર્ડમાં ક્રાંતિકારી યુદ્ધની શરૂઆતની ઊજવણીના ભાગરૂપે અમેરિકામાં શનિવારે મેનહટનની મધ્યમાં રેલીથી લઈને વ્હાઈટ હાઉસ સામે દેખાવો સુધી અનેક વિરોધ પ્રદર્શનો થયા હતા.
ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી, સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા, ટેરિફ નીતિથી આર્થિક અનિશ્ચિતતા વધવી, એલજીબીટીક્યુ વિરોધી વલણ, યુનિવર્સિટીઓ સાથે ઘર્ષણ જેવી ટ્રમ્પની નીતિઓના વિરોધમાં અમેરિકન જનતામાં ગુસ્સે એટલો વધી ગયો છે કે રાષ્ટ્રવ્યાપી આંદોલનના બે સપ્તાહ બાદ ફરી બધા જ ૫૦ રાજ્યોમાં ૪૦૦થી વધુ સ્થળો પર લાખો લોકોએ દેખાવો કર્યા હતા. ન્યૂયોર્કની લાઈબ્રેરી બહાર, વ્હાઈટ હાઉસ સામે લોકોએ એકત્ર થઈને ‘અમેરિકામાં કોઈ રાજા નહીં’ અને ‘તાનાશાહીનો વિરોધ કરો’ જેવા સૂત્રોવાળા પોસ્ટર અને બેનરો લઈને દેખાવો કર્યા હતા.
મેઈનમાં ૮૦ વર્ષના વૃદ્ધ થોમસ બાસફોર્ડે જણાવ્યું કે, તેનું માનવું છે કે અમેરિકનો પર તેની પોતાની જ સરકાર તરફથી હુમલાનું જોખમ છે અને આપણે તેની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. અમેરિકામાં સ્વતંત્રતા માટે આ ખૂબ જ જોખમી સમય છે. બાસફોર્ડ તેમની પાર્ટનર, પુત્રી અને બે પૌત્રો સાથે દેખાવોમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે બાળકો આ દેશના મૂલ્યો સમજે અને સ્વતંત્રતા માટે લડવાનું શીખે.
રસ્તા પર ઉતરેલા લોકો ટ્રમ્પને અમેરિકાના લોકતંત્ર માટે જોખમી ગણાવી રહ્યા છે. તેમણે ટ્રમ્પને હીટલર સાથે સરખાવ્યો હતો અને ઈમ્પિચમેન્ટ લાવો ટ્રમ્પને કાઢો, ટ્રમ્પને જેલમાં નાંખો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેનવરમાં હજારોની સંખ્યામાં દેખાવકારો એકત્ર થયા હતા. ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિના વિરોધમાં લોકો સૂત્રોચ્ચાર કરતા હતા કે અમારા દેશમાં કોઈ ડર નહીં, કોઈ નફરત નહીં, કોઈ આઈસીઈ નહીં, પ્રવાસીઓનું અહીં સ્વાગત છે. આ સૂત્રોચ્ચાર અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી આઈસીઈ એટલે કે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના વિરોધમાં હતો, જે ગેરકાયદે વસાહતીઓની અટકાયત કરી તેમની દેશમાંથી હકાલપટ્ટી કરે છે.
વોશિંગ્ટન ડીસીમાં દેખાવકારોએ ટ્રમ્પ તંત્ર પર બંધારણીય સિદ્ધાંતો, વિશેષરૂપે ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળા કરવાનો આરોપ મૂક્યો હતો. વ્હાઈટ હાઉસ બહાર દેખાવો કરી રહેલા ૪૧ વર્ષના બેન્જામિન ડગ્લાસે કહ્યું, આ સરકાર કાયદાના શાસન અને નાગરિકો પર અત્યાચાર નહીં કરવાની મૂળ અવધારણા પર સીધો હુમલો કરી રહી છે. આ દેખાવોમાં આશ્ચર્યજનક રીતે પેલેસ્ટાઈન તરફી અને ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર પણ થતો હતો.
ન્યૂયોર્કમાં એક દેખાવકાર ૭૩ વર્ષનાં કેથી વેલી, જેઓ હોલોકોસ્ટમાં બચી ગયેલા માતા-પિતાની પુત્રી છે. તેમણે કહ્યું, અમે ખૂબ જ મોટા જોખમમાં છીએ. મારા માતા-પિતાએ હિટલરના ઉદયની જે વાતો સંભળાવી હતી, તે આજે ટ્રમ્પના સમય સાથે મેળ ખાય છે. તફાવત માત્ર એટલો છે કે ટ્રમ્પ, હિટલર અથવા અન્ય ફાસિસ્ટ નેતાઓની સરખામણીમાં વધુ મુરખ છે. તેમનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે.
બાલ્ટીમોરમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં ઈમ્યુનોલોજીની પીએચડીની વિદ્યાર્થિની ડેનિએલા બટલરે ટ્રમ્પ સરકાર દ્વારા વિજ્ઞાાન અને જાહેર સ્વાસ્થ્ય ભંડોળમાં મૂકેલા કાપ પર ચિંતા વ્યક્ત કરી હતી. અનેક લોકોએ ટ્રમ્પને સત્તા પરથી હટાવવા માટે આગામી ચૂંટણી સુધી રાહ જોવાનો પણ ઈનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે ટ્રમ્પને ઈમ્પિચ કરીને પ્રમુખપદેથી હટાવી દેવા જોઈએ.
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો ચાલી રહી છે તેવા સમયે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ સોમવારે ભારતની ચાર દિવસની મુલાકાત માટે નવી દિલ્હી પહોંચશે. જેડી વેન્સ સોમવારે જ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વેપાર, ટેરિફ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર વાટાઘાટો કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેડી વેન્સ અને ભારતીય મૂળનાં તેમનાં પત્ની ઉષા વેન્સના સન્માનમાં આવતીકાલે ડીનરનું આયોજન કરશે. અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ, તેમનાં પત્ની ઉષા અને ત્રણ સંતાનો ઈવાન, વિવેક અને મિરાબેલ ચાર દિવસના ભારતના પ્રવાસે સોમવારે સવારે ૧૦.૦૦ વાગ્યે પાલમ એરપોર્ટ પહોંચશે. વેન્સ અને તેમનો પરિવાર દિલ્હી સિવાય જયપુર, આગરાનો પ્રવાસ પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે પેન્ટાગોન અને સ્ટેટ ડિપાર્ટમેન્ટના લગભગ પાંચ વરિષ્ઠ લોકો સામેલ હશે તેમ મનાય છે.
અમેરિકાની ટીમ સાથે વાટાઘાટો માટે ભારતીય પ્રતિનિધમંડળમાં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ જોડાશે તેમ મનાય છે. જેડી વેન્સનો પરિવાર સોમવારની રાતે જ જયપુર રવાના થઈ જશે તેમ મનાય છે.
દરમિયાન જેડી વેન્સના પ્રવાસ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું છે કે ડિપોર્ટેશન સહિતના મુદ્દાઓ પર પીએમ મોદી અમેરિકન ઉપપ્રમુખ સામે ભારતની ચિંતા વ્યક્ત કરશે કે કેમ. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સવાલ કર્યો કે શું પીએમ મોદી ભારતીય વિદ્યાર્થીઓની ચિંતાઓ પર ચર્ચા કરશે? શું વડાપ્રધાન અમેરિકા દ્વારા પેરીસ સમજૂતી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં પાછા ફરવા મુદ્દે ભારતની ચિંતાઓ વ્યક્ત કરશે? શું મોદી અમેરિકન ઉપપ્રમુખ સમક્ષ સ્પષ્ટ કરશે કે અમેરિકા ૨૦૧૫ના પેરિસ ક્લાઈમેટ ચેન્જ સોદામાંથી પાછા હટી જતાં ભારતના કરોડો લોકોની આજીવિકા માટે જોખમ પેદા થઈ ગયું છે.