Canada,તા.25
કેનેડામાં આગામી માસમાં યોજાનારી સંસદીય ચુંટણી પુર્વે જ ભારત પર દોષારોપણ ચાલુ થઈ ગયું છે અને દેશની ચુંટણીમાં ભારત દખલ કરશે તેવો રિપોર્ટ કેનેડાની ગુપ્તચર એજન્સીઓએ દેશની સરકારને આપ્યો છે. કેનેડામાં તા.28 એપ્રિલના મતદાન છે અને નવા વડાપ્રધાન અને લીબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નીએ સંસદ ભંગ કરી વહેલી ચુંટણીની જાહેરાત કરી છે.
કેનેડાની સિકયોરિટી ઈન્ટેલીજન્સ સર્વિસ એ એવો દાવો કર્યો છે કે, ભારતનો કેનેડાની ચુંટણીમાં દખલ કરશે જ. આ ઉપરાંત ચીન, રશિયા પણ તેમ કરી શકે છે. ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાનીઓને શરણ આપવાથી લઈને શીખ આતંકી હરદીપસિંહ નિજજરની હત્યાના મુદે જબરો તનાવ છે અને બન્ને દેશના ડિપ્લોમેટીક સંબંધોમાં પણ તનાવ છે.
નવા વડાપ્રધાનના આગમનથી ભારત-કેનડાના સંબંધો ફરી સામાન્ય બનવાની આશા વચ્ચે હવે કેનેડીયન સ્પાય એજન્સીના આ રિપોર્ટથી નવો તનાવ સર્જાશે. આ રિપોર્ટમાં જણાવ્યુ છે કે ભારત અહી વસતા મૂળ ભારતીય લોકોને ઈમોશ્નલ બ્લેક મેઈલ કરી શકે છે.
ખાસ કરીને બન્ને દેશો વચ્ચે જે રીતે વિદ્યાર્થીઓના વિસા, કાયમી વસવાટ મુદે કેનેડાએ આકરુ વલણ અપનાવ્યુ છે તેની અસર થઈ શકે છે. જયારે ચીન તેના એઆઈ આધારિત ટુલ મારફત કેનેડાની લોકશાહી પ્રક્રિયામાં દરમ્યાનગીરી કરે તેવી ધારણા ગુપ્તચર એજન્સીઓએ વ્યકત કરી છે રશિયા આ ઉપરાંત કેનેડા-અમેરિકા વચ્ચે જે ટેરીફ સહિતના મુદે તનાવ છે તેનો લાભ ઉઠાવી શકે છે.