Balasinore,તા.06
બાલાસિનોરમાં ૨૮ પૈકી ૧૬ બેઠકો પર ભાજપની સ્પષ્ટ બહુમતી હતી. પાલિકામાં પ્રમુખ પદની સામાન્ય મહિલા સીટ માટે ભાજપ અને કોંગ્રેસે મેન્ડેટ આપી દાવેદારી નોંધાવી હતી. જેમાં ભાજપના વોર્ડ નં.-૪ના બિનહરીફ ઉમેદવારને ૧૯ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણી દરમિયાન ઉપપ્રમુુખ, દંડક અને વિરોધપક્ષના નેતાની પણ વરણી કરાઈ હતી. બાલાસીનોર નગરપાલિકામાં ૭ વોર્ડની ૨૮ પૈકી ૧૬ બેઠકો પર ભાજપ, ૯ ઉપર કોંગ્રેસ, બે એનસીપી અને ૧ બસપાના ઉમેદવારો વિજેતા બન્યા હતા. ત્યારે આજે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષે વોર્ડ નં.-૪માં બિનહરીફ થયેલા ગાયત્રીબેન જયકુમાર ત્રિવેદીને મેન્ડેટ આપ્યો હતો. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ સૈયદ બિલ્કીશબાનું ઈદાયતને મેન્ડેટ આપી દાવેદાર માટે મેદાને ઉતાર્યા હતા. જેમાં ભાજપના ૧૬, બે એનસીપી અને ૧ બીએસપી સાથે ૧૯ મત મળતા ગાયત્રીબેન ત્રિવેદી પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે હિતેશ ભગુભાઈ ભરવાડ, કારોબારી ચેરમેન તરીકે પરષોત્તમભાઈ સવાભાઈ કટારિયા, શાશક પક્ષના નેતા મીનાક્ષીબેન મહેરા, દંડક વિરેન્દ્રસિંહ ચૌહાણની વરણી કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે ઈરફાનભાઈ પઠાણની વરણી કરાઈ હતી.