ધોરાજીમાં ભાજપના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યુ :Upleta- Jasdanમાં 8 બેઠક બીનહરીફ

Share:

Dhoraji,તા.4
સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકામાં આંતરિક અસંતોષ તથા જુથવાદના લબકારા વચ્ચે બેઠકો બીનહરિફ કરાવવાના ખેલ થયા હતા. ભાજપની જીતના ખાતા ખુલી ગયા હોય તેમ ઉપલેટામાં છ તથા જસદણમાં બે બેઠકો બીનહરિફ થઈ હતી. રસપ્રદ બાબત એ છે કે કોંગ્રેસ વળતો ઘા કર્યો હોય તેમ ધોરાજીમાં ભાજપના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ હતુ.

રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે ધોરાજીમાં વોર્ડ નંબર-2માં ભાજપના ઉમેદવારો ફોર્મ પાછુ ખેંચી લેતા જીલ્લા નેતાગીરી સ્તબ્ધ થઈ હતી. ભાજપ દ્વારા કોંગ્રેસ તથા અન્યોના ફોર્મ પાછા ખેંચાવીને બેઠકો બીનહરિફ કરાવવાના ઓપરેશન વચ્ચે કોંગ્રેસે ઘા મારી દીધો હતો. જો કે, અપક્ષ ઉમેદવાર હોવાથી આ બેઠક બિનહરીફ થઈ શકી નથી છતાં ધોરાજી અને જીલ્લાના ભાજપના રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે.

બીજી તરફ ઉપલેટા તથા જસદણમાં ભાજપે જીતનુ ખાતુ ખોલાવી દીધુ હતું. આજે બપોરની સ્થિતિએ ઉપલેટામાં 6 તથા જસદણમાં બે બેઠકો બીનહરિફ થવાનું જાણમાં આવ્યુ છે. જેતપુર તથા ભાયાવદરમાં પણ બેઠકો બીનહરિફ કરાવવાના કાવાદાવા થઈ રહ્યાના સંકેત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લામાં પાંચ નગરપાલિકામાં ચૂંટણી છે. જેતપુરમાં 44, ઉપલેટામાં 36, ભાયાવદરમાં 24, ધોરાજીમાં 36 તથા જસદણમાં 24 બેઠકો માટેની ચુંટણી છે. આ સિવાય જસદણમાં બે, ગોંડલ-ઉપલેટામાં 2-2 તથા જેતપુરની એક મળીને તાલુકા પંચાયતની છ બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાઈ છે.

પંચાયત-પાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોએ કાવાદાવા શરૂ કરી દીધા હતા. ફોર્મ ભરાયા બાદ બેઠકો બિનહરીફ કરાવવાના ખેલમાં જુદી-જુદી પંચાયત-પાલિકા તથા કોર્પોરેશનોમાં કેટલીક બેઠકો બિનહરીફ થઈ જ છે. આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે સમય મર્યાદા પૂર્ણ થતા સુધી આ કવાયત ચાલુ રહેવાની શકયતા છે.

દરમ્યાન ધોરાજીમાં ભાજપના એક ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યા વિશે જીલ્લા ભાજપના એક આગેવાને એવો દાવો કર્યો હતો કે ધોરાજીમાં 8 બેઠકો પર ભાજપ ઉમેદવારો ઉભા રાખી શકતુ ન હતુ આ વખતે તમામ બેઠકો પર ઉભા રાખ્યા હતા તે પૈકી 8માંથી એક બેઠકમાં ફોર્મ પાછુ ખેંચાયુ છે.

જસદણમાં જુથવાદથી મતદાનમાં ખેલ થવાના ભણકારા: છેલ્લી ઘડીએ ત્રણેક ઉમેદવાર બદલાયા હતા
એક ઉમેદવાર તો પાર્ટીનુ લીસ્ટ આવી ગયા બાદ બદલાયા 

રાજકોટ જીલ્લાની પાંચ પૈકી જસદણ નગરપાલિકાની ચુંટણી પ્રક્રિયા પણ ચાલી રહી છે. ઉમેદવાર પસંદગી વખતે અન્ય શહેરોની જેમ જસદણમાં પણ જુથવાદ જોવા મળ્યોજ હતો. જસદણના બે બળીયા જૂથે પોતપોતાના સમર્થકોને ટીકીટ અપાવવા માટે જોરદાર પ્રયાસો કર્યો હતો.

એકબીજાના ટેકેદારોને ટિકીટ ન મળે તે માટે પણ કાવાદાવા થયાહતા. એવુ કહેવાય છે કે જસદણના ઉમેદવારોની યાદીમાં ત્રણેક નામો છેલ્લી ઘડીએ બદલાવી નાખવામાં આવ્યા હતા તે પૈકી એક નામ તો પાર્ટી દ્વારા વિધિવત રીતે ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કરાયા બાદ બદલાયુ હતુ. સીનીયર મંત્રીના દબાણને કારણે આમ થયુ હતું.

ભાજપમાં જ એવી ચર્ચા છે કે મંત્રી જુથના ઉમેદવારોનો કાંટો કાઢવા ભરચકક પ્રયત્નો થયા હતા અને ભાગરૂપે ઉમેદવારોનું ફાઈનલ લીસ્ટ પણ તેઓને મોડુ મળે તેવા પ્રયાસો થયા હતા. ઉમેદવારોના ફાઈનલ લીસ્ટથી નારાજગી દર્શાવીને કેટલાંક નામો બદલાવવા આગ્રહ થયો હતો અને ત્રણ નામ ફેરવાયા હતા. ભાજપમાં ચર્ચા પ્રમાણે છેલ્લી ઘડીએ નામ બદલાયા હોવાથી હરિફ જૂથ નારાજ છે અને મતદાન સુધી પ્રત્યાઘાતો પડવાની આશંકા છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે વધુ એક બેઠક બિનહરિફ જીતી
વોર્ડ નં.2માં લીરીબેન વિજેતા જાહેર થશે: પ્રભારી કમલેશ મિરાણી અને તેની ટીમનો સપાટો
ગુજરાતમાં યોજાઇ રહેલ સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એક બાદ એક નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ઓપરેશન કમલમથી વધુને વધુ બેઠકો બિનહરિફ થાય તે જોવા માટે કરેલા પ્રયાસમાં ગઇકાલે જુનાગઢમાં આઠ બેઠકો પર ભાજપ સામે હરિફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ આજે વધુ એક વોર્ડમાં ભાજપને બિનહરિફ બેઠક મળી છે અને વોર્ડ નં. 2માં લીરીબેન કીરીટકુમાર ભીંભા બિનહરિફ જાહેર થયા છે.  આ બેઠકમાં મહિલા અનામતમાં અન્ય બે મહિલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા 

જેને કારણે લીરીબેન બિનહરિફ જાહેર થયા છે.  ગઇકાલે પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થયેલા કમલેશ મિરાણી અને સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયા અને જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ શર્માના પ્રયાસોથી આ બેઠકો પર બિનહરિફ વિજેતા થયા છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *