Gandhinagar,તા.૩
ભાજપમાં જયેશ રાદડીયાના વળતા પાણી થઈ રહ્યાં છે. લાંબા સમયથી સૌરાષ્ટ્રના આ યુવા નેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. અનેકવાર તેઓ જાહેર મંચ પરથી નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે આવામાં કોંગ્રેસના નેતાએ જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડીયાને કહ્યું કે, સમય છે પાછા વળો ફાયદામાં રહેશે.
જેતપુર ભાજપના ડખા પર કોંગ્રેસ નેતા મનહર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. મનહર પટેલે કહ્યું કે, ભાજપમાં જયેશ રાદડીયા પોતાના બે ઉમેદવારોને ટીકીટ પણ અપાવી શક્તા નથી. મને યાદ છે અને સાક્ષી પણ છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોના કોરા મેન્ડેન્ટ મંગાવતા અને ખુદ ઉમેદવાર પસંદ કરતા હતા. આ હતો કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાનો સમય. આજે ભાજપાના જયેશ રાદડિયા પોતાના બે ઉમેદવારોને ટિકિટ પણ અપાવી શક્તા નથી અને સમાજ સામે ભાષણ કરો છો કે માયકાંગલાઓને નેતા ન બનાવો.
મનહર પટેલે આગળ કહ્યું કે, ૨૦૧૯ માં પોરબંદરના લોકસભાના ઉમેદવારમાં આપનું ન ચાલ્યું. આજે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં ન ચાલ્યું. આ બંને કિસ્સામાં કમલમના રાજકીય સંકેત પડ્યા છે, અને આવનાર સમયમાં જેતપુર વિભાનસભાના ઉમેદવારમાંથી પણ આપને હાથ ધોવાનો સમય આવી શકે તેમ છે. મારી વાત સકારાત્મક લેશો. સમય છે પાછા વળો ફાયદામાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, મનહર પટેલનું આ નિવેદન જેતપુરમાં ટિકિટ ફાળવણી બાદ થયેલા વિવાદ બાદ સામે આવ્યુ છે. જેતપુરમાં રાદડિયા જૂથ અને કોરાટ જૂથનો વિવાદ સામે આવ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કાપવાનો મામલો ચર્ચાયો છે. સુરેશ સખરેલીયા જયેશ રાદડિયાના નજીકના નેતા છે. પરંતું સુરેશ સખરેલીયાની ટીકીટ પ્રશાંત કોરાટના કહેવાથી કાપી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ પહેલા એક સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ વિરોધીઓને કહ્યું હતું કે, મારૂં તીર સીધુ જ આવે વાંકુ ચુકુ ન હોય સીધું નિશાન ઉપર હોય. ત્યારે સુરેશ સખરેલીયાનું પત્તુ કાપવા ગાંધીનગરથી વિરોધીઓનું સીધું તીર આવ્યું છે. ગાંધીનગરથી છુટેલી તીર સીધું જયેશ રાદડિયા માટે હતું કે શું તેવી જેતપુરમાં ચર્ચા ઉઠી છે.